________________
ક્ષમાપના
૩૮૧
નિજસ્વરૂપમાં ઉપયોગ ના જાય ત્યાં સુધી વ્યવહાર છે. નિજસ્વરૂપમાં ઉપયોગ જાય એના માટે વ્યવહારની પ્રેરણા જરૂરી છે, પછી નહીં.
લિખાલિખી કી બાત નહીં, દેખાદેખી કી બાત;
દુલહા દુલ્હન મિલ ગયે ઔર ફિકી રહ ગઈ બારાત ! બન્નેનું મિલન કરવાનું હતું તે ચાર ફેરા કરીને કરી લીધું. પછી બહુ બહુ તો રિસેપ્શનમાં રહેવું પડે અને પછી કવરના થેલાઓ ભરીને રવાના. પછી તમારે હિસાબ ચૂકતે કરવો હોય તો કરજો, જેને મળવું હોય તેને મળજો, ને જે બિલ ચૂકવવા હોય તે ચૂકવજો . અમે તો હવે સર્વથી ન્યારા છીએ. આવું ન્યારાપણું આત્મામાં આવે તો કામ થાય. સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૪ આત્માનો ચૈતન્ય સ્વભાવ અશુદ્ધ અવસ્થામાં પણ ન્યારો છે અને શુદ્ધ અવસ્થામાં પણ ન્યારો છે. એ ન્યારાને પ્યારો કરો, એમ જ્ઞાની કહે છે. કોઈવાર ઘરમાં કોઈ ન હોય તો જીવને એમ થાય કે ઘરમાં મારે એકલાને રહેવાનું? અરે બાપુ ! અનાદિકાળથી તું એકલો જ છું, તો મૂકને. ભગવાનમાં દોષ કે વિભાવ નથી એ વિચારતાં પોતે દોષ અને વિભાવથી પાછો ફરે તો કામનું. નહીં તો -
દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ: જિનેસર. પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિનેસર.
” – શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન જીવને ચારેબાજુ દોડાદોડ છે. અહીં પણ દોડી દોડીને આવે, બહારગામ જાય ત્યારે સ્ટેશન ઉપર પણ દોડાદોડ કરે ! કોઈ પ્રોગ્રામ હોય તો પણ દોડાદોડ કરે ! બધી જગ્યાએ જીવને દોડાદોડ છે, શાંતિ નથી. પાસ લઈને અંદરમાં ઘૂસી કેમ આગળ જવું, એનો પણ રઘવાટ ! અરે બાપુ! શાંતિને શું કરવા હણે છે? ક્યાંય શાંતિ નથી, આત્મામાં શાંતિ છે. ક્યાં દોડાદોડ કરે છે? આવી લૌકિકતા ક્યાં સુધી રાખીશ? લૌકિકદષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો અલૌકિકદષ્ટિએ કોણ પ્રવર્તશે?
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૩૨૨