________________
૪૧૩
છ પદનો પત્ર
બસ, આટલી વાતમાં આપણે બધું સમજી લેવાનું. કેમ કે, આપણે વિચક્ષણ જીવો છીએ, સમજું જીવો છીએ. પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ એટલે આજ્ઞાએ, આપણું વર્તન નહીં થાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. એટલે કે સમ્યગદર્શન પ્રાપ્ત થતું નથી. વળી, એ જ પત્રમાં આગળ કહે છે કે, “જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેમની ભક્તિમાં જોડાય.” બધા આજ્ઞાનું આરાધન કરી શકતા નથી, પણ જે તનની આસક્તિ છોડે એટલે કે દેહાધ્યાસ છોડે, મનની આસક્તિ છોડે એટલે મનમાં સંકલ્પ વિકલ્પ દ્વારા જે પરવસ્તુ અને પરભાવમાં એકત્વપણું થાય છે, પરપદાર્થોમાં મોહ, મમતા, મૂછ થાય છે તે છોડે અને ધનની આસક્તિ છે, તેને અંદરથી છોડવાનો પ્રયત્ન કરે તે જ આજ્ઞાનું આરાધન કરી શકે છે. ધનની આસક્તિ ચૌદ રાજલોકમાં મુખ્યપણે દેવો અને મનુષ્યોને હોય છે.
એ મૂચ્છ એવી છે કે એની પાછળ આત્મતત્ત્વનો વિચાર કરવાનો અવકાશ મળતો નથી અથવા તેના નિમિત્તે એવા સંકલ્પ વિકલ્પ થયા કરે છે કે આત્મતત્ત્વનો વિચાર ઊંડાણપૂર્વક થઈ શકતો નથી. માટે પરિગ્રહની મૂનો ત્યાગ પણ સમ્યગુદર્શન થવામાં એક કારણભૂત અંગ છે. માટે તનની, મનની, ધનની આસક્તિનો ત્યાગ કરી સદ્ગુરુની ભક્તિમાં જોડાવું. આ બધી આસક્તિનો ત્યાગ કરીને જ્ઞાની પુરુષની ભક્તિમાં જોડાય તે તેમની આજ્ઞાનું આરાધન કરી શકે. હજુ આગળ કહે છે કે,
જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી.
આ અગત્યની વાત છે. આ મૂળ વાત છે. જ્ઞાનીને કોઈ ઇચ્છા નથી. એમણે તો મોક્ષની ઇચ્છા પણ રૂંધી નાખી છે. “માત્ર મોક્ષઅભિલાષ’, એ પણ અજ્ઞાની માટે છે, જ્ઞાનીને તો એ પણ નથી. કેમ કે, સાક્ષાત્ મોક્ષની સ્થિતિના અંશનો અનુભવ તેમને છે અને એ અંશ જ તેમને પૂર્ણતા તરફ લઈ જવાનો છે, અભિલાષા નહીં. ઇચ્છા છે ત્યાં સુધી મોક્ષ નથી. ઇચ્છારહિતપણું આવે ત્યારે મોક્ષમાં જવાય છે.
જ્યાં સુધી મોક્ષની ઇચ્છા છે ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ નથી, પણ જગતના બીજા અશુભ પદાર્થોની ઇચ્છા થાય છે તેના કરતાં તેને તોડી મોક્ષની ઇચ્છા કરવાનું જ્ઞાની કહે છે. પણ, જ્યારે ખરેખર જ્ઞાન થાય છે ત્યારે તેમને મોક્ષની ઇચ્છા પણ નાબુદ થઈ જાય છે. કેમ કે, સાક્ષાત્ મોક્ષદશાનો અનુભવ એ આત્મજ્ઞાની પુરુષો કરી રહ્યા હોય છે.