________________
છ પદનો પત્ર
૫૮૭ અથવા વર્તમાનમાં કોઈ એવા પુરુષનો સત્સમાગમ કે એમના વચનોનો સત્સંગ અને આશ્રય કરે તો તેને સમ્યગદર્શન પ્રાપ્ત થવાનો યોગ બને છે. પણ અનાદિકાળથી જીવને બાહ્ય પદાર્થોમાં, અનિત્ય પદાર્થોમાં મોહબુદ્ધિ રહી છે. એ બધામાં તેની એટલી એકત્વબુદ્ધિ છે કે આટલું બધું સાંભળવા છતાં અંદરનો મોહ ઘટતો નથી.
અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. અનિત્ય પદાર્થોમાં સુખ અને શાંતિની માન્યતા હોવાના કારણે રાત-દિવસ અનિત્ય પદાર્થો પાછળ અજ્ઞાની જીવોની દોડ છે અને પાછો બોલે પણ ખરો કે આ બધું અનિત્ય છે. અનિત્યભાવના પણ ઘણી વખત ભાવે. પણ, હું નિત્ય છું અને આ સંયોગો અનિત્ય છે એવું અંદરમાં જે ભાવભાસન વેદનપૂર્વક આવવું જોઈએ તે નથી આવતું. કેમ કે, દઢ અભ્યાસ નથી, દઢ શ્રદ્ધા નથી. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ છે કે આ મારું છે, આમાં સુખ છે. આ વસ્તુ હશે તો હું સુખી થઈશ.
જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૧૦ બાર ભાવનાને વૈરાગ્યની માતા કહી છે. તીર્થકરો પણ મુનિદશામાં આ ભાવના ભાવે છે. વૈરાગ્ય વગર કોઈપણ પ્રકારની સાધના મોક્ષમાર્ગમાં નિષ્ફળ જાય છે. વર્તમાન સમયમાં સાધકો, મુમુક્ષુઓમાં વૈરાગ્ય દેખાતો નથી. શાસ્ત્રજ્ઞાન ઘણું છે, બાહ્ય ત્યાગ, તપ, ક્રિયાઓ ઘણી છે, પણ જેમનો ઉપયોગ જગતના પદાર્થોમાં આકર્ષણ પામે નહીં, એવા વૈરાગ્યયુક્ત જીવો દેખાતા નથી. આ માર્ગ વીતરાગતાનો છે. આ કોઈ ખાવા-પીવાનો કે નાચવા-કૂદવાનો માર્ગ નથી. આ કોઈ શૃંગારનો માર્ગ નથી. વીતરાગ પરિણતી તો વીતરાગ ચારિત્રના આધારે પ્રગટ થાય છે. કોઈ પણ પ્રકારની સરાગતા એ વીતરાગતામાં બાધક છે. માટે, અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ ના કરો.
દેહ અનિત્ય છે, કુટુંબનો સંયોગ અનિત્ય છે. ચેતન-અચેતન જે કોઈપણ પદાર્થો સંયોગમાં છે, એમાં મોહના કરો. એના કારણે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. અવ્યાબાધ સુખ એટલે જે સુખમાં કોઈ બાધા આવી શકે નહીં. આત્મામાં અનંતસુખ છે. આત્મા શાશ્વત છે. આ નિત્યત્વપણાનું ભાન જીવને અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાના કારણે આવતું નથી. એટલે દરેક પ્રકારના ભય લાગે છે. તેનું