________________
છ પદનો પત્ર
૬૦૭
ભક્તોના જીવનચરિત્ર વાંચવાથી જીવન જીવવાની અનેક પ્રકારની કળા આપણને હસ્તગત થાય છે. સંતોનું ચરિત્ર એ “આર્ટ ઓફ લિવિંગ” છે. એમાંથી જીવન જીવવાની કળા હસ્તગત થાય છે. કેમ ખાવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ ચાલવું, કેટલો વ્યવહાર કરવો, કેટલું બોલવું, ક્યાં જવું, ક્યાં ના જવું, શું કરવું, શું ના કરવું, દરેક કાર્ય પર અંદ૨માં આપણું નિરીક્ષણ થાય અને બ્રેક વાગતી જાય અને જે જે કંઈ વિપરીત પ્રવૃત્તિઓ છે તે બધી મટતી જાય અને તેની જગ્યાએ સભ્યપ્રવૃત્તિઓ આવતી જાય છે. માટે એ ભક્તિને પણ નમસ્કાર ! એ ભક્તોને પણ નમસ્કાર ! એ સત્પુરુષોને પણ ફરી ફરી ત્રિકાળ નમસ્કાર ! અને આવું ભક્તિનું નિરૂપણ કરનાર જ્ઞાનીઓને પણ ત્રિકાળ નમસ્કાર ! જુઓ ભક્તિને નમસ્કાર કર્યા છે. સોળ કારણભાવના, જે તીર્થંકર નામકર્મ બંધાવાનું કારણ છે, તેમાં અરિહંતભક્તિ, આચાર્યભક્તિ, પ્રવચનભક્તિ, બહુશ્રુતભક્તિ એમ ચાર પ્રકારની ભક્તિ છે. આ કાળમાં ગુરુની ગાદી ખૂબ જોખમવાળી છે. સાચો માર્ગ બતાવે, સન્માર્ગમાં વાળે તો ગુરુનું પણ કલ્યાણ, નહીં તો જો કોઈ એક જીવને પણ અવળા માર્ગે ચડાવે તો તેમને મોટું નુકસાન છે. ગુરુનું પદ બહુ જોખમવાળું છે.
પ્રભુશ્રી એક દષ્ટાંત આપતાં કે એક કૂતરાંને ઘણી બધી જીવાતો ચોટેલી. એ બધી એનું લોહી પીવે. એનું કારણ શિષ્યએ ગુરુને પૂછ્યું તો ગુરુ કહે કે આ કૂતરો પૂર્વ ભવમાં આ બધી જીવાતોનો ગુરુ હતો, પણ બધાને ખોટે માર્ગે ચડાવેલા. એટલે તે બધાં ભેગાં થઈને અત્યારે બદલો લે છે.
તો, આ ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! દરરોજ ભાવ સહિત દેવ-ગુરુ-ધર્મને વંદન કરવાથી આત્મજ્ઞાનની ઘણી પાત્રતા પ્રગટ થાય છે. ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે; પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોર્યાશી માંહી રે.
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !!