________________
ભક્તિના વીસ દોહરા
૧૦૫
ગમે ત્યાં બેઠા હોય રઢ લાગવી જોઈએ. એક જ ધૂન, બીજું કાંઈ નહીં. બાળકને જેમ મારી મા, તેમ સાધકને માટે મારો આત્મા. ખાતા પણ આત્મા, પીતાં પણ આત્મા, હરતાફરતા પણ આત્મા. દરેક ક્રિયામાં આત્મા. એવી રઢ લાગવી જોઈએ કે આત્માનું શુદ્ધ સ્વરૂપ પામવા સિવાય બીજું કાંઈ ગમે નહીં. જ્યારે આપણને તો આત્મા સિવાય બધું ગમે છે. બધેય ગમે છે, પણ આત્મામાં ગમતું નથી. ભલે તને આત્મામાં ના ગમતું હોય, પણ તું ગમે ત્યાં જાય તો પણ તને આત્મા સિવાય ક્યાંય ગમવાનું તો નહીં. તું ગમે ત્યાં જાય એનો વાંધો નથી. ગમે તે ગમાડ, પણ સાચું ગમવું તો આત્મા સિવાય તને ક્યાંય થવાનું નથી. ઝૂરણા લાગવી જોઈએ. બસ, બીજું કાંઈ ન ગમે અને આત્મા પ્રાપ્ત કરવાનું જ ગમે એનું નામ વૈરાગ્ય. તેના કારણે બધાય કાર્યમાં તમારો વૈરાગ્ય નીતરતો રહેશે. બધાં કાર્ય કરશો પણ હવે અંદ૨માં રુચિ નથી. જેમ કોઈના ઘરે કોઈ સ્વજન ગુજરી ગયું હોય, તેમના નજીકના ઘરવાળા તેને ખવડાવે તો નહીં ખાય. પાણી પીવડાવો તો નહીં પીવે. ચ્હા પીવડાવો તો કહેશે કે નથી પીવી. તમે પરાણે આ પીવડાવો તો પીશે, પણ અંદ૨માં વૈરાગ્ય છે. જોકે, આ દુઃખગર્ભિત વૈરાગ્ય છે, મોહગર્ભિત વૈરાગ્ય છે. જ્યારે આત્મા સિવાય કંઈ ગમે નહીં એ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય.
કષાયની મંદતા પણ સ્વયં થઈ જશે. આત્માની દષ્ટિ થઈ અને રઢ લાગી એટલે કષાય સ્વયં મંદ થઈ જશે, કરવા નહીં પડે. સહેજે સહેજે થઈ જશે. એક આત્માને પ્રાપ્ત કરવાની ઝૂરણા લાગવી જોઈએ. ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.' હવે મારે બીજું કાંઈ નથી જાણવું, એક જ જાણવું છે. હવે એને જુદું જુદું જાણવાની ઇચ્છા પણ ના થાય. કોઈ કહે કે ચાલો અમેરિકા ફરી આવીએ મારા ખર્ચે. તો તે કહેશે કે તમે જઈ આવો. મારે તો આત્મા જ અમેરિકા છે, આત્મા જ રશિયા છે, આત્મા જ આખું વિશ્વ છે. ચૌદ રાજલોક અને બધાય તીર્થો આત્માની અંદરમાં આવી ગયા. એક મરણિયો થાય તો સો ને ભારે પડે. કેસરિયા કરે એમ મરણિયો થાય ત્યારે મિથ્યાત્વ ખસે એવું છે. કેસરિયા કર્યા વગર આ મિથ્યાત્વ ખસે એવું નથી. હું રાતના નહીં ખાઉં, કંદમૂળ નહીં ખાઉં એ સામાન્ય છે. કારણ કે, જે મિથ્યાત્વરૂપી પાડો હજા૨ો પૂળા ખાઈ ગયો એ આટલા સાંઠા જેવા વ્રતથી થોડો માને ? એમાં પણ અઠવાડિયામાં બે દિવસની છૂટ ! એથી કાંઈ કામ થાય નહીં.
આવી લય લાગવા માટે જેને આવી લય લાગી છે એનો સંગ કરવો પડે કે જેને આત્મા સિવાય કાંઈ ગમતું નથી. ચોવીસ કલાક બીજા કાર્યો કરવા છતાંય જેને અંદ૨માં આત્મસાધના છૂટતી નથી એમની ઉપાસના કરવી પડે.ગુરુકૃપા બળ ઓર હૈ, પંગુ ગિરિ ચઢી જાય.