________________
૪૪૨
છ પદનો પત્ર
સુધી આત્માના પ્રદેશમાં કંઈપણ વધ-ઘટપણું થયું નથી. સંકોચ વિસ્તાર શક્તિના કારણે જે જે દેહ ધારણ કર્યો તે તે દેહ અનુસાર ફેલાઈને તેમાં રહ્યો, પણ અસંખ્યાત પ્રદેશમાંથી કોઈપણ પ્રદેશ સંખ્યાત નથી થયા કે કોઈવાર અનંત નથી થયા. જેટલા છે તેટલા રહ્યા છે અને ત્રણે કાળમાં તેટલા જ રહે છે. આવો ‘સમતા’ નામનો ગુણ આત્માનો છે.
આત્મા છે તેની સાબિતી અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું અને અરૂપીપણું આવા જે અનંત ગુણ છે, જે સ્વભાવ છે, જે ધર્મ છે તે એકેય તેનાથી છૂટવા ઘટતા નથી. કેમ કે, ગુણગુણીનો સંબંધ અભેદ છે. ગુણીથી ગુણ છૂટો પડી શકતો નથી, જેમ ખાંડમાંથી ગળપણ છૂટું પાડી શકાતું નથી, અગ્નિમાંથી ઉષ્ણતા છૂટી પાડી શકાતી નથી તેમ આત્મામાંથી ચૈતન્યપણું છૂટું પાડી શકાતું નથી. કોઈપણ ગુણ જુદો પાડી શકાતો નથી. આવરણના કારણે ઓછું - વધતું જાણે એ વાત જુદી છે, પણ અંદ૨માં જે જાણવાની અનંત શક્તિ છે તેની વધ-ઘટ થતી નથી. જેમ સૂર્યના આડે આવરણ આવી જાય તો પ્રકાશમાં વધ-ઘટ થાય; પણ સૂર્યની પ્રકાશકશક્તિમાં કોઈપણ વધ-ઘટ થતી નથી. એ શક્તિ તો ત્રણે કાળ એવી ને એવી રહે છે. જેને અખંડ જ્ઞાયક સ્વભાવ, પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એ નિગોદ અવસ્થામાં પણ એવો ને એવો છે ને સંસારની કોઈપણ અવસ્થામાં પણ એવો ને એવો છે, અને મોક્ષ અવસ્થામાં – સિદ્ધલોકમાં પણ એવો ને એવો જ છે. અરૂપીપણું એટલે અમૂર્તપણું. જેને આંખ વડે જોઈ શકાય નહીં.
આત્મા ભવિષ્યમાં કરોડ બે કરોડ વર્ષ પછી આંખ વડે દેખાશે ? વૈજ્ઞાનિકો એવા દૂરબીન શોધશે કે જેના દ્વારા આત્મા જોઈ શકાય ? તો કે ત્રણ કાળમાં એ બની શકે નહીં. કોઈપણ રૂપી પદાર્થ દ્વારા અરૂપીનું દેખાવું બની શકતું નથી. કોઈપણ ઈન્દ્રિયો દ્વારા કે બીજા કોઈપણ સાધન દ્વારા આત્મા કોઈ દિવસ જોઈ શકાય એવો નથી. કેમ કે, તે અમૂર્ત વસ્તુ છે, તે ફક્ત વેદન દ્વારા અનુભવમાં આવે છે. જેમ ગળપણ છે તે માત્ર સ્વાદ દ્વારા અનુભવમાં આવે છે. તેમ આત્માનો સ્વસંવેદન વગર અનુભવ થઈ શકતો નથી. માટે સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ અનુભૂતિ છે, સ્વસંવેદન છે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા - એ સમ્યગ્દર્શનના વ્યવહારિક લક્ષણ છે. અરૂપીપણું, ચૈતન્યપણું વગેરે સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી. કાયમ રહેવાના એટલે જયાં જ્યાં ચૈતન્ય ત્યાં ત્યાં આત્મા. અરૂપીપણું છે તે બીજા દ્રવ્યમાં પણ છે. માટે તે સાધારણ ગુણ છે. પણ ચૈતન્યપણું તે અસાધારણ ગુણ છે, કે જે બાકીના દ્રવ્યોમાં નથી.