________________
પ૪
ભક્તિના વીસ દોહરા
ઉપદેશ દ્વારા આત્મકલ્યાણ થાય એવા જીવોની સંખ્યા બહુ અલ્પ છે. એટલે પરંપરાએ ઉપદેશ પણ પરિક્ષીણપણાને પામે છે. એટલે પરમાર્થ માર્ગ ક્રમે કરીને વ્યવચ્છેદ થતો જાય એવો આ કાળ છે. એ જ પત્રમાં હજી આગળ કહે છે,
આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. જુઓ ! તે વખતની વાત એટલે કે સવાસો વર્ષ પહેલાની વાત છે. એટલે આ સો-બસો વર્ષમાં તો બહુ ક્ષણપણું થઈ ગયું. જીવોમાં સરળતા પણ રહી નથી કે જેથી ધર્મ પામવાને પાત્ર થાય. પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં મતાર્થીના લક્ષણમાં કહ્યું છે,
નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય;
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. સરળપણું જતું રહ્યું છે. લોકો કપટી થઈ ગયા છે. અંદરમાં કંઈને બહાર કંઈ; કરવાનું કંઈ, ચાલવાનું કંઈ ને બોલવાનું કંઈ. એવા જીવો વર્તમાનમાં વિશેષ જોવા મળે છે. આગળ કહે છે,
ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી, તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે.
જે પહેલાનાં જીવોમાં આજ્ઞાંકિતપણું હતું એવા આજ્ઞાંકિત જીવો અત્યારે દેખાતા નથી. બહુ જ ઓછી સંખ્યામાં દેખાય છે. અને આજ્ઞા વગર ધર્મનું પરિણામ પામે નહીં. આજ્ઞાંકિત થયા વિના જ્ઞાનીઓનો બોધ પરિણામ પામતો નથી. બીજું, પરમાર્થની ઇચ્છા એ પણ પ્રાય લુપ્ત થઈ ગઈ છે. તમે બહુ પાછળ પડી ત્યારે એમ કહે કે તમે કહો છો એટલે કરું છું! અંદરમાં જીવને ઇચ્છા થતી નથી. પરમાર્થની ઇચ્છા જ લુપ્ત થઈ ગઈ છે. બહુ બહુ તો બહારથી થોડો બાહ્ય ધર્મ કરે. અને તે સંબંધી નિશ્ચયમાં દઢતા એ પહેલાં જેવાં હતાં તેવા આજે નથી. આજથી બસો-ત્રણસો વર્ષ પહેલાં જે પરમાર્થ માર્ગ આરાધવાની નિશ્ચયતા અને દઢતા હતી એ આજે નથી. કંઈક નિમિત્તો કે વિપરીત ઉદય આવે તો ધર્મ છોડી દે. “સાહેબ ! શું કરું હવે? એટલા બધા મહેમાનો આવે, ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થાય ને બીજા પ્રસંગો પણ આવે. તો અમારે ઘરનું સંભાળવું કે ધર્મ કરવો? કેટલી જવાબદારીઓ આવે એટલે ધર્મ છૂટી જાય છે!' ભગવાન