________________
૪૮૨
છ પદનો પત્ર અજ્ઞાનતા કાંઈ દેહમાં નથી થઈ, મનમાં નથી થઈ, વચનમાં નથી થઈ પણ પોતાના અશુદ્ધ ઉપયોગમાં થઈ છે. એ અશુદ્ધ ઉપયોગની અજ્ઞાનતા ટળી જાય તો જ્ઞાન છે. કેટલી સાદી સીધી વાત છે ! પરમકૃપાળુદેવ પત્રાંક - ૩૬૨ માં જણાવે છે, ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, અહંપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે.
કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૧ આત્મજ્ઞાન થાય ત્યારે એ ખરો અકર્તા કહેવાય. ખરું આત્મભાન થાય છે તેને હું અન્યભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ એટલે આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ અને અહંપ્રત્યયી બુદ્ધિ તે વિલય પામે છે. એટલે જે પરપદાર્થમાં કે પરભાવમાં અહંપણું હતું એ નષ્ટ થઈ જાય છે.
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૬૪ એટલે કર્તાપણાનો ભાવ, અહંકારનો ભાવ. એ અધમમાં અધમ, પતિતમાં પતિત અને અનંત સંસારપરિભ્રમણ કરાવનારો ઉત્કૃષ્ટ મિથ્યાભાવ છે. એ જ કર્તાપણાનો ભાવ છે. અનંત ચોર્યાશીનું મૂળ એ આ પરભાવમાં પોતાનું કર્તાપણું માનવું તે છે. જો આ નષ્ટ થઈ ગયું તો હવે અજ્ઞાનદશા હટવાથી સંસાર કોના ઉપર ઊભો રહેશે? માટે પરનું કર્તાપણું, પરનું ભોક્તાપણું, પરમાં અહંપણું, પરમાં મમત્વપણું, અનંત ચોર્યાશીનું મૂળ આ ભાવો છે અને આ ભાવો થવાનું મૂળ અજ્ઞાન છે. એ અજ્ઞાન ભેદવિજ્ઞાનથી નાશ પામે છે. માટે આ જ્ઞાન જયાં સુધી આપણે સમ્યફ પ્રકારે સમજીને પ્રગટ કરવાનો પુરુષાર્થ નહીં કરીએ ત્યાં સુધી કોઈપણ જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકવાનો નથી. તમે કયા સંપ્રદાયમાં માનો છો? કે કયા ગુરુને માનો છો? કે કેવી સાધના કરો છો? એની સાથે અમારે કોઈ મતલબ નથી. અહીં તો મૂળ વાત એ કે તમે આવો સમ્યક્ પ્રકારે ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ કર્યો છે? કે કરો છો? અને કેટલો થાય છે? કેટલે સુધી તમે ભેદવિજ્ઞાનમાં આગળ છો? એ અંદરમાં તપાસો. જ્ઞાની પુરુષો કહે છે કે વારંવાર ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ કરીને આ ભાવનાને અંદરમાં પ્રગટ કરો, આ જ્ઞાનને પ્રગટ કરો. કેમ કે, આત્મા પરમાર્થથી કોઈ પરભાવનો કર્તા થઈ શકતો નથી.