________________
૫૮૫
છ પદનો પત્ર માર્ગાનુસારી છે, જેને ભવભ્રમણનો ભય લાગ્યો છે તેવા જીવે આ વાત અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે.
અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. બધાંય જ્ઞાની આ વાતના સાક્ષી છે કે આવો પ્રત્યક્ષ સત્પરુષ જેવો ઉપકાર બીજા કોઈનો નથી.
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેના પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્રનિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સપુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો!
આ છ પદ દ્વારા આત્મસ્વરૂપ સિદ્ધ કર્યું અને તે સપુરુષના વચનને અંગીકાર કરવાથી પ્રગટે છે, માત્ર સાંભળવાથી નહીં. અંગીકાર કરવું એટલે આજ્ઞાનું આરાધન કરવું તે. આ છ પદ જેને વિચાર કરીને સિદ્ધ થાય તેને સમ્યગ્રદર્શન કર્યું છે. અવલંબન સત્પરુષના વચનનું, શ્રતનું છે. એ અવલંબન છૂટી જાય તો ભલભલા સાધકો પણ ઉપરની ભૂમિકામાંથી નીચેની ભૂમિકામાં આવી જાય છે. દરેકને વધતાં બળની જરૂર છે. ઉપરની ભૂમિકાવાળાને તેમનાં ઉપરની ભૂમિકાવાળાઓ બળ આપતા હોય છે. જેમકે, રત્નત્રયધારી મુનિઓને પણ આગળની ભૂમિકામાં જવું છે, તો એમને બળ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ભગવાનની દિવ્યધ્વનિમાંથી, ભગવાનના સાન્નિધ્યમાંથી. સમ્યક્દષ્ટિ શ્રાવકો છે એમને રત્નત્રયધારી મુનિઓ પાસેથી બળ મળે છે. સામાન્ય જીવો પાસે તો એવો સમય કે યોગ્યતા નથી કે રત્નત્રયધારી મુનિઓ પાસે જંગલમાં જઈને કે એવા એકાંત સ્થળે જઈને લાભ લે, એમને પ્રાથમિક કક્ષામાં લાભ આપનારા સમ્યક્દષ્ટિ શ્રાવકો છે. એમ ઉત્તરોત્તર એકબીજાના નિમિત્તથી આગળ વધવાનું થાય છે.
પણ, પ્રાપ્ત તો આત્માનું સ્વરૂપ કરવાનું છે. જે છ પદ દ્વારા સિદ્ધ છે તે. આમાં એક પદ પણ ઓછું હોય, સિદ્ધ ન થાય તો પણ કાર્યની સિદ્ધિ બનતી નથી.