________________
ક્ષમાપના
૨૮૫
અસ્તિત્વ એ તમારું પોતાનું સ્વરૂપ છે અને તમારા જ્ઞાન દ્વારા એનો આશ્રય કરવાનો છે. જ્યાં સુધી કોઈપણ પરનો આશ્રય છે ત્યાં સુધી સ્વરૂપનું અસ્તિત્વ પ્રતિભાસતું નથી. જો લક્ષ બંધાય તો પછી તેના પ્રયત્નમાં લાગી જાય. હવે લક્ષ બંધાઈ ગયું કે આત્માના આશ્રયે જ કલ્યાણ છે અને આત્માનો બોધ સર્વ પ્રકારે પહેલાં સાંભળી લીધો કે “આત્મા ચૈતન્યમય સ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સચિદાનંદ સ્વરૂપ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય વગેરે અનંત ગુણોનો ભંડાર છે. એક એક ગુણની પર્યાય સમયે સમયે થતી જાય છે. આ બધોય બોધ સાંભળ્યો. હવે જયારે અનુભૂતિ કરવી છે ત્યારે અભેદ આત્મા. હવે હું આત્મા છું એ પણ વિકલ્પ નહીં, નવતત્ત્વના પણ વિકલ્પ નહીં, કોઈના પણ વિકલ્પ નહીં, એક પોતાની ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યસત્તા નિર્વિકલ્પ ઉપયોગની અંદરમાં પકડાયેલી રહે અને બધાય વિકલ્પો છૂટી જાય એ અનુભૂતિનું કારણ છે, બીજું કાંઈ નથી!
દસ-દસ ફૂટના ખાડા પચાસ જગ્યાએ કરવાથી પાણી ના નીકળે. એક જ જગ્યાએ સો ફૂટ ખોદશો તો નીકળશે. લક્ષ બંધાવું જોઈએ. જે કોઈ ધર્મની ક્રિયા કરે એમાં પણ આત્માનો લક્ષ, સંસારની ક્રિયા કરે એમાં પણ આત્માનો લક્ષ. “બેટ્ટો થાય એ બીજું જુવે.' આત્માનું સ્થાપન કરવાનું છે. અઘરું હોવા છતાં પણ સહજ અને સહેલું છે, કઠણ હોવા છતાં કઠણ નથી, પણ સહજ છે. ધૂન લાગવી જોઈએ.
એક વખત હું ગિરનારમાં હતો. સહસાવનમાં બે-ત્રણ મહિના રોકાયેલો. આજુબાજુ હનુમાનગઢ ને બાવાઓના ઘણા મંદિરો. રાતના હું ફરવા નીકળું, પછી એમની મંડળીમાં જઈને બેસું. આ બાવાઓ ભાંગ અને ગાંજાવાળા. મોટી ચલમો રાખે, એમાંથી દમ મારતા જાય. ગાંજો પીવે પછી એવા મસ્તીમાં આવી જાય અને ૐ નમઃ શિવાયની ધૂનમાં ચઢી જાય, આખી રાત ધૂન ચાલ્યા કરે. એવી રીતે આત્માના ગંજેરી થઈ જાવ. એક લક્ષ બાંધી દો કે મારે આ જ કરવાનું છે ને આ જ પ્રાપ્ત કરવું છે, આત્મા સિવાય મારે બીજું કંઈ પ્રાપ્ત કરવું નથી અને મારો ઉપયોગ મારા આત્મામાં અખંડપણે સ્થિર રહે આ જ મારી સાધના છે. બધી સાધનાનું ધ્યેય અને લક્ષ આ છે, આ લક્ષ બાંધો. કોઈએ પચાસ હજાર રૂપિયા કમાવવા એમ લક્ષ કર્યો હોય અને પછી પ્રયત્ન કરે તો તેથી અડધા પણ કમાઈ શકે. પરંતુ લક્ષ જ ના હોય તો તેવો પ્રયત્ન કરી શકે નહીં. એ વેપાર બદલતો જવાનો અને નફાને બદલે નુક્સાન કરતો જવાનો. ધ્યેય નક્કી કરો કે તમે શેના માટે ધર્મ કરો છો? તમારું ધ્યેય શું છે? તમારે શું જોઈએ છે અને શું કરવાથી મળે? આટલા બધા જ્ઞાનીઓના વચન છે, એક વચન પકડીને બેસી જાવ.