________________
૩૧૬
ક્ષમાપના
ક્રોધે ક્રોડપૂરવતણું, સંજમ ફલ જાય; ક્રોધ સહિત જે તપ કરે, તે તો લેખે ન થાય,
કડવાં ફળ છે ક્રોધના. સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકૌશિઓ નાગ,
કડવાં ફળ છે ક્રોધના. પરમકૃપાળુદેવ કહે છે,
ક્રોધાદિ તરતમ્યતા, સાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬૭ સાપમાં પૂર્વના સંસ્કાર છે, એટલે જન્મતાંની સાથે જ તેને ક્રોધ આવી જાય છે અને જેને ક્રોધ તીવ્ર થાય છે તે સાપના ભવમાં જવાની તૈયારીમાં છે. “ક્ષમા વીરસ્ય ભૂષણમ્.... ક્ષમા એ વીરપુરષોનું આભૂષણ છે. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે અને ક્રોધ એ નરકનો ભયંકર દરવાજો છે. આ બે દરવાજા છે, એમાં કયા દરવાજામાં પ્રવેશ કરવો એ તમારે નક્કી કરવાનું છે. કોઈ તમને મોકલવાનું નથી અને કોઈના મોકલ્યું જવાય પણ નહીં. આ જીવ જ પોતે પોતાને મોક્ષમાં લઈ જાય છે અથવા પોતાને ચાર ગતિમાં રખડાવે છે. બીજા કોઈ આપણને નુક્સાન-લાભ કરી શકતા નથી. તો કઈ ક્ષમા એ મોક્ષનો દરવાજો છે? ઉત્તમ ક્ષમા. ક્ષમા એ પણ આત્માનો સ્વભાવ છે. તો, સ્વભાવના આશ્રયે જે ક્ષમા પ્રગટ થાય તે મોક્ષનું કારણ થાય છે. સ્વભાવમાં અનંતી ક્ષમા ભરી છે, અંશમાત્ર પણ ક્રોધ નથી. એટલે નિમિત્ત હોય તો પણ ક્રોધ કરે નહીં. કંઈ વાંક ના હોય ને કોઈ આવીને એક લાફો મારી દે, તો તમને એમ થાય કે હું આને ઓળખતો પણ નથી, મેં આનું કંઈ બગાડ્યું નથી અને મને આણે એક લાફો જોરથી માર્યો ! અને હું ય ક્યાં કમ છું? આને જવા દઉં? ખલાસ! અલ્યા ભાઈ ! તને મફતમાં ગાળ દેવા કોણ તૈયાર છે? તારો ઉદય હોય તો કોઈ નિમિત્ત બને, નહીં તો મફતમાં કોણ તૈયાર છે? પણ જીવ એ નહીં જુએ, બસ આણે વગર વાંકે આમ કેમ કર્યું? અરે ! બાપુ! તારો વાંક છે. પહેલાં વાંક કરેલો છે, અત્યારે તું ડાહ્યો ભલે છું, તારો થોડો પણ ગુનો તો છે. એટલે જે કંઈ નિમિત્તો મળે શાંતિ, સમતા રાખવી એનું નામ સાધના છે.