________________
૪૫૨
છ પદનો પત્ર
જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે ત્યાં પણ, હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; હું સુખી છું આવું જ્ઞાન પણ જેને છે તે આત્મા છે. તે જ્ઞાન જ બતાવે છે કે બીજું કોઈ ત્યાં વિદ્યમાનપણે નથી અને સુખનું ભાસવાપણું તો ત્યાં અત્યંત સ્પષ્ટ છે. બીજું કોઈ નથી અને સુખ તો અનુભવમાં આવે છે. ખોટું કે સાચું પણ આવે તો છે. તે જેનાથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. માટે આત્મા છે.”
હવે, વેદનજ્ઞાન, સ્પષ્ટજ્ઞાનની વાત કરે છે. જે સમયે સમયે ચાલે જ છે. ઉપયોગ નથી દેતા. એટલે આપણને ખ્યાલ નથી આવતો.
વેદકતા :- આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે કરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે, તે પદાર્થ જીવ હોય છે. એ જ તીર્થકરાદિનો અનુભવ છે. આ તીર્થકરનો અનુભવ કહ્યો. ક્યાં તીર્થકરના હૃદયમાં પેસીને વાત કાઢી છે! એ જુઓ તો ખરા ! પૂર્વે જે પ્રત્યક્ષ યોગ થયેલો છે, તેનું જાતિસ્મરણજ્ઞાન દ્વારા અનુસંધાન થયેલું છે. એ વાત આ પત્રમાં લખી છે. મહાભાગ્ય હોય ત્યારે તીર્થકર ભગવાનની કહેલી આવી વાત આવા જ્ઞાની પુરુષો દ્વારા સાદી ગુજરાતી ભાષામાં આપણને મળી છે. મહાપુણ્યનો ઉદય છે.
આપણે સવારે કહીએ છીએ ને કે હા ઠરી ગઈ છે, ગરમ કરીને લાવો અથવા આ બહુ ગરમ છે. જરા ઠરવા દો. આજે આમાં ખાંડ વધારે પડી ગઈ છે, પછી દાળમાં મીઠું વધારે પડી ગયું છે અથવા મીઠું નાંખવું તમે ભૂલી ગયા છો ! આ બધું નક્કી કોણ કરે છે? જીભ નક્કી કરે છે કે જીવ નક્કી કરે છે? નક્કી કોણ કરે છે? જીવ નક્કી કરે છે. ઠંડી હમણાં ગઈ અને પાછી આવી ગઈ, એ નક્કી કોણે કર્યું? સમયે સમયે આ નક્કી કરે છે. બધી છાંટણી કરે છે. જ્યાં હોય ત્યાં બધે. હું આ સ્થિતિમાં છું. ટાઢ પડે છે, તાપ પડે છે, દુઃખી છું. આ જે સ્પષ્ટજ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં હોય તે જીવ નામનો પદાર્થ છે. જીવ સિવાય આ હોઈ શકતું નથી. માટે એ બતાવે છે કે જીવ છે. જીવ છે તો આ બધી વાત છે. જીવ ના હોય તો આ બધી વાત બની શકતી નથી. માટે “આત્મા છે' એની સાબિતી આટલા બધા પાંચ-છ દષ્ટાંત દ્વારા તીર્થકર ભગવાનની શાખ મૂકીને જ્ઞાની પુરુષોએ આપી છે. એ દ્વારા આપણે તેનો સ્વીકાર કરવાનો છે.