________________
ભક્તિના વીસ દોહરા
૫૫
કહે છે કે આ તો રોજનું થયું. કોઈ દિવસ કંઈ નિમિત્ત આવે ને કોઈ દિવસ કંઈ નિમિત્ત આવે. સંસારમાં છીએ એટલે એ બધા પ્રસંગો તો આવવાના જ. એમાં રહીને પણ જેણે દઢ નિર્ણય કર્યો છે કે મારે આત્માનું કામ કરી જ લેવું છે, એ ગમે તેવા નિમિત્તોની વચ્ચે પણ આત્માની સાધના કરી લે છે. સાતમી નરકનો નારકી એટલી બધી પ્રતિકૂળતા અને દુઃખની વચ્ચે પણ આત્માની પ્રાપ્તિ કરી લે છે. કારણ કે, આત્મકલ્યાણ કરવાનો તેનો નિર્ણય અને ઇચ્છા દઢ છે. તે કોઈ ફરિયાદ કરતો નથી. આપણને ઘણી ફરિયાદો હોય છે ! જેને આત્માનું કલ્યાણ કરવું છે તે ગમે ત્યાંથી કરી લે છે. સમય નીકળી શકે તેમ છે. કામ કરતાં કરતાં પણ ધર્મ થાય છે. જોકે, નિવૃત્તિના સમયે જરા ઊંચી ક્વોલીટીનો ધર્મ થાય અને પ્રવૃત્તિમાં સામાન્ય પ્રકારનો ધર્મ થાય. પણ ધર્મ ન થાય એવું કંઈ છે નહીં.
જોકે, હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદપ્રાપ્ત થઈ નથી, આ સવાસો વર્ષ પહેલાંની વાત છે. અત્યારની વાત નથી. અત્યારે તો લગભગ વ્યવચ્છેદ જેવી થઈ ગઈ છે. તેમ સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે એમ જાણીએ છીએ.
જ્ઞાનીઓ મળ્યા હોય ત્યારે આખું વાતાવરણ ચોથા આરા જેવું હોય છે. બીજાને ભલે દુષ્કાળ હોય, પણ જેને જ્ઞાનીઓ મળ્યા હોય કે જે જ્ઞાનીઓની સમીપ હોય તેને દુષ્કાળ ન હોય. પોતાનો દૃઢ નિર્ણય જોઈએ અને તેને અનુરૂપ દૃઢ પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ વગર કંઈ થાય નહીં. અને દઢ નિર્ણય વગર પણ કંઈ થાય નહીં. નિમિત્તો તો કાયમ રહેવાના. હવે એ ફરિયાદ કરીશું તો ક્યારેય ધર્મ નહીં થાય. જ્યારે જ્ઞાનીઓનો યોગ હોય ત્યારે તેમના બોધનો લાભ મળે, એટલે જે અંદ૨માં ઊંચો-નીચો થઈ ગયો હોય તે પાછો ઠરી જાય. પાછું એને પોષણ મળી જાય, પણ જ્યારે જ્ઞાનીઓનો યોગ ન મળે અને ચારે બાજુ વિપરીત વાતાવરણમાં રહેવાનું હોય તો જીવને પોતાનું બળ ન હોય તો ટકી ન શકે. પોતાનું બળ પણ અંદ૨માં જોઈએ છે. આવા વિપરીત કાળમાં પણ જો જીવ સત્પુરુષની આજ્ઞા અનુસાર ભક્તિ કરવાનો નિયમ કરે, વ્રત-ત્યાગ દ્વારા મર્યાદા કરે ને તેને દૃઢ રીતે વળગી રહે તો ધર્મસાધના બની શકે. સાથે સાથે ચરણાનુયોગનું આચરણ પણ આત્મકલ્યાણ કરવામાં જરૂરી છે. અને જે મર્યાદા કે નિયમો કર્યા હોય તેને દઢપણે વળગી રહે તો ધર્મસાધના બની શકે. દૃઢપણે આપણે વળગી રહેતા નથી. જ્યારે કંઈક સારા નિમિત્તો આવે એટલે જોરમાં આવી જઈએ છીએ કે બસ હવે તો આ જ કરવું છે ને આ જ કરીશ અને પછી પાછા ઘરે જાય અને થોડા દિવસ થાય એટલે પાછા ઢીલા