________________
૩૮૦
ક્ષમાપના
આપણા અને ભગવાન વચ્ચેનું અંતર કેવી રીતે દૂર થાય એ વિષે શ્રી આનંદઘનજી કહે છે, પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરું, કિમ ભાંજે ભગવંત.
– શ્રી પદ્મપ્રભજિન સ્તવન
ઘણું અંતર છે, છતાં પુરુષાર્થ કરે તો અંતર્મુહૂર્તમાં ભાંગી જાય એવું છે. તો જેવો ભગવાનનો આત્મા છે એવો જ જગતના તમામ પ્રાણીમાત્રનો આત્મા છે. સ્વરૂપે બધાય સમાન છે. ‘સર્વ જીવ છે સિદ્ધ સમ.’બધાય સમાન છે. ભગવાનમાં દોષ કે વિભાવ નથી, એ વિચારતાં પોતે દોષ અને વિભાવથી પાછો વળે. ભગવાનની અવસ્થા જોવાની છે કે ભગવાન એક સમય માટે પણ વિભાવરૂપે પરિણમન કરતા નથી. અખંડપણે સ્વભાવ પરિણમન ચાલે છે અને અજ્ઞાની જીવોનું અખંડપણે વિભાવ પરિણમન ચાલે છે. એક સમય માટે પણ સ્વભાવ પરિણમન છે નહીં. બસ આ મોટો ફેર છે. એટલે વિભાવ એ જ સંસાર છે, વિભાવ એ જ દુઃખોનું મૂળ છે અને વિભાવ થવાનું કારણ રાગ-દ્વેષ મોહમય પરિણામ છે.
રાગ ઝેર છે એ હજી આપણે સમજ્યા નથી. એટલે દેહમાં રાગ કરીએ છીએ. સ્ત્રી, પુત્ર, પૈસામાં રાગ કરીએ છીએ. જગતના પદાર્થોમાં રાગ કરીએ છીએ. ભગવાનમાં પણ રાગ કરીએ છીએ. જો કે, ભગવાનમાં રાગ કરીએ છીએ તો હજી પણ કંઈક સારું છે. પણ, રાગ એ તો રાગ જ છે. આ રાગનો ક્ષય કરવાનો છે. દ્વેષ તો ઓળખાઈ જાય છે, ભોળો છે. રાગ કપટી છે. અઢાર દોષમાંનો એક પણ દોષ હોય તો એ ભગવાન કહેવાય નહીં અને એક સમયનો વિભાવ હોય તો પણ એ ભગવાન કહેવાય નહીં. ભગવાનને અખંડપણે સ્વભાવદશા હોય, સ્વભાવ પરિણમન હોય, સ્વભાવનો આશ્રય હોય અને સ્વભાવ પરિણમન એ જ મોક્ષમાર્ગ છે અને જ્યાં સુધી પરનું અવલંબન છોડે નહીં ત્યાં સુધી સ્વભાવ પરિણમન થાય નહીં. ધર્મના નામે પણ જીવ પરના અવલંબને જ પ્રવર્તે છે. અરે ભાઈ ! ધર્મ એટલા માટે કરવાનો છે કે પરાવલંબનપણું છૂટીને સ્વાવલંબનપણું આવે. તેના માટે વ્યવહાર ધર્મ છે, પણ વ્યવહારનિશ્ચયનું સમ્યક્ પ્રકારે ભાન નહીં હોવાના કારણે જીવ વ્યવહારને જ પકડીને બેસી ગયો. તો કોઈ એકાંત નિશ્ચયનયને પકડીને બેસી ગયા ને વ્યવહાર છોડી દીધો. એનું પણ કામ ના થાય. બંનેની ભેળસેળ કરે ને યથાયોગ્યતા ના આવે તો પણ કામ ના થાય.
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૬