________________
૪૨૭
છ પદનો પત્ર
પહેલાં જે જણાતું હતું તેના પ્રત્યે ઉપયોગ જતો હતો, હવે જાણનાર પ્રત્યે વળે છે. એકલો જાણનાર ઉપયોગમાં જણાય, એટલે પોતાનો જ્ઞાનસ્વભાવ જ પોતાના ઉપયોગમાં જણાય એટલે કામ થઈ ગયું. તેને બીજું કંઈ કરવાનું છે નહીં. પરમકૃપાળુદેવને આ છ પદના પત્ર મારફતે આ કાર્ય કરાવવું છે. આ સાધના કરાવવી છે. પત્ર માત્ર ગોખી જઈએ એટલે કામ નથી થતું. ગોખવો જરૂરી છે. કેમ કે, જ્યારે એકાંતમાં બેઠા હોઈએ ત્યારે તેનું અવલંબન લઈ તેના આધારે સાધનાની આગળ વૃદ્ધિ કરી શકીએ છીએ. વારંવાર બોલી જઈએ પણ તેની અંદરની વાતો પ્રત્યે આપણું લક્ષ ના જાય, સાધના પ્રત્યે લક્ષ ના જાય તો એવા તો આપણે ૪૫ આગમમાંથી કેટલાંય આગમ ગોખી ગયા છીએ, તોય કામ નથી થયું.
જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ - ગાથા - ૧ કોઈપણ શાસ્ત્ર આત્માની નિર્મળતા પ્રગટ કરવા માટે છે. સર્વ પ્રકારની સાધના એ આત્માના નિર્મળ અને પવિત્ર ભાવ પ્રગટે થાય તેટલા માટે છે. કોઈ ક્રિયા, ક્રિયા માટે નથી. એ ક્રિયા આત્માની નિર્મળતા અને પવિત્રતા વધારવા માટે છે. આટલો લક્ષ જો હોય તો તેને કોઈપણ સાધન નિમિત્તભૂત બને અને આ દૃષ્ટિ ના હોય તો ગમે તેટલું ઊંચામાં ઊંચું સાધન હોય તો પણ મોક્ષનું નિમિત્ત બની શકતું નથી. આમ, સ્વ-પરનું શ્રદ્ધાન્ થવું તે સમ્યગદર્શન છે. અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે,
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને; આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે.
– શ્રી સમયસાર – ગાથા – ૧૩ ભૂતાર્થથી એટલે પરમાર્થ દૃષ્ટિથી જે નવતત્ત્વને જાણે છે તેને સમ્યકત્વ કહેવાય છે. વ્યવહારના પડખાથી પણ નવતત્ત્વની શ્રદ્ધા છે અને એક નિશ્ચયના પડખાથી પણ નવતત્ત્વની શ્રદ્ધા છે. શ્રી સમયસારમાં નવતત્ત્વોનું વર્ણન વ્યવહારની સાપેક્ષતા રાખી નિશ્ચયની અપેક્ષાએ કર્યું છે. એ જ વર્ણન શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં કર્યું છે. શ્રી આત્મસિદ્ધિ એટલે મીની સમયસાર