________________
પ૨૮
છ પદનો પત્ર
સંસારનો નાશ છે અને સંસારના નાશથી મોક્ષપદની પ્રાપ્તિ છે. એ શ્રી નિયમસારમાં ૧૮ મા શ્લોકની ટીકામાં મૂક્યું છે કે,
ભાવકર્મ નિરોધેન દ્રવ્યકર્મ નિરોધન
દ્રવ્યકર્મનિરોધન સંસારસ્ય નિરોધનમ્ / ભાવકર્મનો વિરોધ થવાથી દ્રવ્યકર્મનો વિરોધ થાય છે.
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, પ્રહણ કરે જડધૂપ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૮૨ ભાવકર્મ એટલે શુભાશુભ ભાવ, રાગ-દ્વેષમય ભાવ. જો આ ભાવ ઉત્પન્ન થતા બંધ થઈ જાય તો કર્મોની તાકાત નથી કે ચોંટીને રહે. જો આ બાજુ શુભાશુભ ભાવ બંધ થઈ જાય અને શુદ્ધોપયોગ પ્રગટ થાય તો આવતા કર્મો અટકી જાય છે અને અંદરમાં લાગેલા કર્મોની નિર્જરા થતી જાય છે અને સંપૂર્ણ નિર્જરા થવી એનું નામ મોક્ષ. “જે જે કારણ બંધના તેહ બંધનો પંથ.”
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધભાવ છે. આ બંધભાવ ક્ષીણ થાય તો કર્મથી રહિત થઈ શકાય છે. અજબ કીમિયો છે ભાઈ ! ભગવાન છોડાવે કે બીજા છોડાવે કે વાસક્ષેપ નાખીને છૂટી જાય એવું નથી. આ તો વીતરાગ વિજ્ઞાન છે પ્રભુ ! અકષાયભાવનું ફળ તો જુઓ ! હવે આનો અનુભવ કરો. જ્ઞાની કહે છે કે અકષાયભાવે ટકો. સમભાવને અંદરમાં સેવો. સમભાવને પ્રગટ કરો અને શાંતિને અનુભવો. જ્ઞાની કહે છે કે તમે આ અકષાયભાવનું સેમ્પલ ચાખો. એ સેમ્પલથી પણ કેટલી શાંતિ આવે છે એ જુઓ ! પછી જ્યારે કષાયો ક્ષીણ કરશો ત્યારે તમારી દુકાનમાં એ જ માલ હશે-આનંદ ! આનંદ ! આનંદ!
બસ, “Give and Take” આપો અને લો. શું આપો? સમતા અને શું લો? આનંદ. જો તમે તમારા આત્માને સમતામાં રાખશો તો એ તમારો આત્મા તમને અતીન્દ્રિય આનંદ આપ્યા વગર, એ જ સમયે નહીં રહે. બીજા સમયની જરૂર નહીં પડે. એટલા માટે જ પરમકૃપાળુદેવે કીધું કે, “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે અને કષાય એ નરક-નિગોદનો બિહામણો દરવાજો છે.