________________
૪૧૦
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે દ્રવ્યશ્રુતમાં ઉત્તમમાં ઉત્તમ નિમિત્ત હોય તો આ છ પદ અથવા નવ તત્ત્વ છે. જેને જ્ઞાનીપુરુષનો બોધ સમ્યક્ પ્રકારે પરિણમ્યો છે તેને અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા વગર રહે નહીં. જે કોઈ જીવને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેને તત્ત્વનો (પદાર્થનો) નિર્ણય યથાર્થ જોઈએ. એ પદાર્થનો યથાર્થ બોધ આ છ પદમાં આપવામાં આવ્યો છે. તત્ત્વદૃષ્ટિથી જોઈએ તો આ વાત સિદ્ધાંતબોધની છે અને સિદ્ધાંતબોધ સમ્યક્ષણે તેને પરિણમે જેણે ઉપશમ અને વૈરાગ્યનું બળ વિશેષપણે પ્રગટ કર્યું હોય.
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.
છ પદનો પત્ર
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૯,
૧૧૯
અધ્યાત્મમાર્ગમાં આ પત્રની અગત્યતા ખૂબ ઊંચી છે. મોક્ષમાર્ગમાં તેનું જે માહાત્મ્ય છે તે આપણી વાણીનો વિષય નથી. જો અંતરંગથી એનું બહુમાન આવે, એના પ્રત્યે શ્રદ્ધા થાય અને બોધમાં આપેલી આજ્ઞા અનુસાર જીવનો પુરુષાર્થ થાય; તો અવશ્ય કાર્યની સિદ્ધિ થયા વગર રહેતી નથી.
તેમાં સૌથી પહેલાં કહે છે કે સમ્યગ્દર્શનનું મૂળ તો સદ્ગુરુ છે. પરમકૃપાળુદેવે એક પત્રમાં કહ્યું છે કે “સદ્ગુરુની કૃપા એ જ સમ્યગ્દર્શન છે.” સદ્ગુરુનું માહાત્મ્ય બતાવવા પરમકૃપાળુદેવે હેડીંગમાં સૌ પ્રથમ જ સદ્ગુરુને ભક્તિથી નમસ્કાર કર્યા કે,
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.
અનન્ય શરણ એટલે પરમાર્થ માર્ગમાં જેના જેવું બીજું કોઈ ઉત્તમ શરણ નથી તે. વ્યવહારથી ચાર શરણ ભગવાને આપણને બતાવ્યા છે.
અરિહંતે શરણં પવામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહૂ શરણં પવામિ, કેવલી પન્નતં ધમ્મ શરણં પવામિ.