________________
૬૬૮
દુર્લભ એવો મનુષ્યદેહ સાચા મુનિ આવા હોય. આ કાળમાં એવા મુનિના દર્શન કરવા મળે તે પણ મહાભાગ્ય.
અત્યારે સાધુઓમાં કીર્તિસ્તંભ બનાવવાનો ક્રેઝ વધી ગયો છે. શિષ્ય પોતાના ગુરુના કીર્તિસ્તંભ ગામોગામ સ્થપાય એની પ્રેરણા કરતા હોય છે. આગળના મુનિઓ જુઓ ! કુંદકુંદાચાર્યના કેટલા કીર્તિસ્તંભ છે? અમૃતચંદ્રાચાર્યના કેટલા કીર્તિસ્તંભ છે? પૂજયપાદ સ્વામીના કેટલા કીર્તિસ્તંભ છે? એ વખતે એવી હોડ નહોતી, જ્યારે આ પંચમકાળની દેન છે કે એવી હોડ ચાલી છે! કોઈ શિષ્યને ભાવ આવે ને કરે એ એની ભક્તિ છે, પણ ગુરુએ એવી પ્રેરણા ન કરવી. ગુરુ શિષ્યને કહે ને શિષ્ય પરિચિત શ્રાવકોને કહે અને પછી ઊભું કરાવવું એ માર્ગને અનુરૂપ નથી. ઘણા મૂક કેવળીઓ થઈ ગયા છે. કેવળજ્ઞાન લઈને મોક્ષે ગયા તો પણ કોઈએ જાણ્યું પણ નથી કે આ કેવળી હતા ! આટલી બધી છુપી સાધના કરી છે એમણે.
જ્યાં આડંબર કે દેખાવ કે પૂજાવાની ભાવના થાય છે ત્યાં પછી મુનિપણાની દશાની વૃદ્ધિ અટકી જાય છે. ભક્તને ભાવ આવે ને કરાવે એ સારું છે. તેટલી ગુરુની ભક્તિ થાય એટલી ઓછી છે. એમની સોનાની મૂર્તિ કરો તોય ઓછી છે, પણ એ શિષ્ય પોતાના ભાવથી કરે, પણ ગુરુએ પ્રેરણા ન કરવી. જો આવી પરંપરા ચાલુ થઈ જાય તો માર્ગને આડા સ્તંભ થઈ જાય છે.
શ્રી અષ્ટપાહુડ માં તો રત્નત્રયધારી સિવાયના મુનિઓને નમસ્કાર પણ કરવા નહીં, એમ લખ્યું છે. ખબર ન હોય ત્યાં સુધી કરો. પણ ખબર પડી જાય કે આ બરાબર નથી, આમનું જે આચરણ છે એ આગમને અનુરૂપ નથી, શ્રદ્ધાની વિપરીતતા છે, તો પછી તેઓ વંદન કરવા યોગ્ય પણ નથી. સમ્યક્દષ્ટિ આત્માઓ છે તે સત્ય તારવીને, સ્વીકાર કરીને પોતાનું કામ કાઢી લે છે. તેઓ વાદવિવાદમાં પડતા નથી. મુનિપંથવાળાની જેટલી વાત આગમને અનુરૂપ છે એ સ્વીકારી લે છે અને કાનજીસ્વામીના પંથવાળાની જે વાત છે તત્ત્વની યોગ્યતાવાળી એ પણ સ્વીકારી લે છે. બંને અમુક અંશે સાચા છે. હંમેશાં દશાનું ફળ આવે છે, માન્યતાનું ફળ નથી આવતું અને ખોટાની માન્યતા સાચા માનીને કરી એનું નામ જ મિથ્યાત્વ છે.
અવિરતિ સમ્યફદષ્ટિ કે દેશવિરતિ શ્રાવક મોટા કે મિથ્યાત્વી મુનિ મોટા? કોણ મોટું? જે આત્મજ્ઞાની છે તે ઊંચા છે, કારણકે તે મોક્ષમાર્ગ છે. પેલા મોક્ષમાર્ગી નથી છતાંય એમને વંદન કરવાના, એમના લખેલા પુસ્તકો વાંચવાના ને જ્ઞાનીઓના લખેલા વાંચવાના નહીં, એમના પ્રત્યે બહુમાન રાખવાનું નહીં એ સંપ્રદાયવાદ છે. જ્ઞાનીઓનો અનાદર થાય એ મોટું નુક્સાન છે.