________________
છ પદનો પત્ર
હે નાથ ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી.
૫૫૮
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૮૫
મોહિની એટલે જગતના પદાર્થ સાથેનું એકત્વપણું, અહંભાવ. એ અમને સમ્મત નથી. મોહિની એટલે દર્શનમોહ અને ચારિત્રમોહ. એ બે'ય એમાં આવી જાય. એક વખત સાતમી નરકે જઈશું તો ૩૩ સાગરોપમ પછી નીકળશું; મિથ્યાત્વમાં હોઈશું ત્યાં સુધી આવી અનંતી ૩૩ સાગરોપમની નરકો મળવાની છે. માટે સાતમી નરક કરતાં પણ ભયંકર આ મોહિની છે. મિથ્યાત્વની ભયાનકતાનો ખ્યાલ આવે છે ? વ્રત, યમ, નિયમ વગેરે કદાચ શક્તિ ના હોય, સંજોગ ના હોય, અનુકૂળતા ના હોય અને ઓછા-વત્તા થાય તો ચાલશે, પણ અહં-મમત્વપણું હશે તો નહિ ચાલે. આ ભવમાં ગમે તેમ કરીને પણ પરપદાર્થોની અંદરમાં જે અહંપણુંમમત્વપણું છે તે કાઢવાનું છે.
તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૮ અહો ! જ્ઞાનીઓ તો કહેવામાં કંઈ બાકી રાખે એમ નથી. હથેળીમાં મોક્ષ આપે ! અક્ષરદેહમાં આવે એટલું કહી શકે છે, બાકી નિશ્ચયની વાણી તો કહી શકાતી નથી કે લખી શકાતી નથી. છતાંય, જેટલું લખાય એટલું તો લખ્યું છે અને કહેવાય એટલું તો જ્ઞાનીઓએ કીધું છે.
બધાય દોષોનું મૂળ અહંભાવ અને મમત્વભાવ છે. હવે આ કાઢવાનું છે.
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૮
જ્ઞાન લાવવું પડશે. સાચી સમજણ લાવવી પડશે. જ્ઞાનીપુરુષનો સાચો બોધ હાજર કરવો પડશે. ત્યારે આ અહં-મમત્વ જશે.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. હું કાકો છું, હું મામો છું, હું ફોઈ છું, હું ફલાણો છું કે ફલાણી છું એ બધું કાઢી નાંખવાનું છે. માત્ર જાણનાર, દેખનાર, શાશ્વત એક ચૈતન્ય વસ્તુ છું.