________________
૫૭૬
છ પદનો પત્ર
કરવાનો છે ? આત્માનો. તો આત્માનો નિશ્ચય થયો છે, તે મહાત્મા, તે પુરુષો સ્વરૂપને પ્રાપ્ત કરે છે. કહેવાનું કામ જ્ઞાનીનું હતું, કહી દીધું. નિશ્ચય કરવાનું કામ આપણું છે.
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર – ગાથા - ૧૧૮
આ બોધ આપીને પોતે સમાધિમાં આવી ગયા અને સમાધિમાં મૌન બોધ આપ્યો કે તમે પણ હવે સમાધિમાં આવી જાઓ.
-
જેને આત્માનો નિશ્ચય થયો, એને પછી આધિ રહેતી નથી. માનસિક ચિંતા અને ઊંઘની ગોળીઓ ખાવી પડે છે, હાર્ટએટેક આવે છે. બ્લડપ્રેશર વધી જાય છે, આ બધું શું છે ? માનસિક ચિંતાઓ છે. કેમ છે ? કે પરની સાથેનું એકત્વપણું, ઈષ્ટ-અનિષ્ટપણું ચાલુ છે એટલે. હવે કેમ મટ્યું? જ્ઞાન આવ્યું એટલે પર સાથેનું એકત્વપણું મટ્યું, ઈષ્ટ-અનિષ્ટપણું મટ્યું. આધિ એટલે માનસિક ચિંતા હતી એ બધી મટી ગઈ. પછી વ્યાધિ પણ નથી રહેતી. કેમ કે, આધિને કારણે બધી વ્યાધિઓ આવે છે. માનસિક ચિંતાને કારણે પછી અનેક રોગો થાય છે. જ્ઞાન થયા પછી બંધ પણ એવો નથી પડતો કે મોટી વ્યાધિઓ અને ઉપાધિ આવી જાય. ઉપાધિ એટલે શું ? ઉછીની વહોરેલી ચિંતા. બિનજરૂરી, ટેન્શન રાખીને ફરે એ બધી ઉપાધિ. લેવાદેવા ન હોય તેની ચિંતા કર્યા કરે.
જેનું કોઈ વ્યવહારિક પ્રયોજન નથી, એવી બીજાની નિરર્થક બાબતોના ટેન્શનમાં આપણે ફરીએ છીએ એ બધી ઉપાધિઓ છે. એવી રીતે ઘરની પણ બિનજરૂરી ઉપાધિ, ધંધાની પણ બિનજરૂરી ઉપાધિ, વ્યવહારની પણ બિનજરૂરી ઉપાધિ તેનો પણ આપણે માથા પર બોજો લઈને ફરીએ છીએ. જાણે આપણા માથે જ બ્રહ્માંડ તૂટી પડ્યું હોય ! ‘શકટનો ભાર જેમ શ્વાન તાણે !' આ ઘ૨નું ગાડું મારાથી જ ચાલે છે એમ આપણને છે ! પણ દરેક પોતાનું પુણ્ય લઈને આવ્યા હોય છે. ત્યારે તું બળદિયો સારો મળ્યો છું ! ઘરવાળાના પુણ્ય છે, નહીંતર તારા જેવો આવો મહિને હજારોની પ્રેક્ટીસવાળો બળદ, બે રોટલી માટે એની ગુલામી કરે ? બે રોટલીમાં આટલું બધું ગાડું તું વફાદાર થઈને ખેંચે છે !
આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને આ ભાવિકાળમાં પણ તેમ જ થશે.