________________
છ પદનો પત્ર
છોડાવડાવે છે. કેમ કે, સત્પુરુષની જવાબદારી વિશેષ છે. એ જુએ છે કે આનાથી કેટલું નુક્સાન છે. જો શિષ્ય આજ્ઞામાં હોય તો છોડાવે છે અને આજ્ઞામાં ન હોય તો ‘જહા સુખમ્’ ભાઈ! તું તારે જેમ યોગ્ય લાગે તેમ કર. કેમકે, સ્વચ્છંદી જીવને આજ્ઞા કરવામાં કષાય અને રાગ-દ્વેષના પરિણામ થઈ જાય છે. એટલે બન્નેને નુક્સાન થાય છે.
૫૮૨
માટે જ્ઞાનીપુરુષો અપાત્ર જીવને આજ્ઞા કરતાં નથી. આ દેહના ભવિષ્ય જીવનમાં એટલે જીવું ત્યાં સુધી આ અખંડ નિશ્ચય છોડું એટલે મારા ઉપકારી છે એવો ભાવ ગૌણ કરું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો છે. એ જીવમાં પછી આત્માર્થ પ્રાપ્ત કરવાની યોગ્યતા રહેતી નથી. સત્પુરુષના ઉપકારને ઓળવવો એના જેવી બીજી કોઈ મોટી કૃતઘ્નતા નથી. જગતમાં મોટામાં મોટી કોઈ કૃતઘ્નતા હોય તો તે છે. જે સત્પુરુષે આપણા ઉપર નિષ્કારણ કરુણા કરી, આપણને નવ તત્ત્વનો, છ પદનો, ઉત્તમ આત્મતત્ત્વનો બોધ કર્યો અને જે બોધના કા૨ણે આપણે આગળ વધ્યા, અને આગળ જતાં એ ઉપકારીનો ઉપકાર ઓળવી નાંખીએ, ભૂલી જઈએ, ગૌણ કરી નાંખીએ તો તેના જેવો મહાન ૫૨માર્થદોષ બીજો એકેય નથી. એ જીવને ભવિષ્યમાં પરમાર્થની પ્રાપ્તિ રોકાઈ જાય છે, અટકી જાય છે, રુંધાઈ જાય છે. ભલે પછી એ જીવ પુણ્યના ઉદયના કારણે બહારમાં ગમે તેટલો આગળ જાય, પણ આત્મજ્ઞાન પ્રગટ થવાની એની યોગ્યતા રોકાઈ જાય છે.
આ બહુ વિચારવા જેવી અને અગત્યની વાત છે. એટલે વારંવાર આપણે અંદ૨માં પ્રયોગાત્મક રીતે વર્તવાનું છે કે આપણા ઉપર જે સત્પુરુષનો ઉપકાર છે, એ ઉપકારનો બદલો આપણે કોઈ રીતે વાળી શકીએ તેમ નથી. કેમ કે, સત્પુરુષને લૌકિક પદાર્થની ઇચ્છા નથી અને અલૌકિક રીતે બદલો વાળી શકવાની આપણી કોઈ યોગ્યતા નથી અને એમનું બહુમાન અને આજ્ઞાંકિતપણું આવ્યા વગર આત્મજ્ઞાન થાય એવો માર્ગ નથી. ઉપકારીનો ઉપકાર ઓળવ્યો તો જીવની સત્પાત્રતા નષ્ટ થઈ ગઈ સમજવાની. પછી એ ગમે તેટલા શાસ્ત્રો ભણે, ગમે તેટલો ત્યાગ કરે, ગમે તેટલું તપ કરે કે ગમે તે સાધન કરે. પણ એ જીવ આગળની ભૂમિકામાં જઈ શકતો નથી. કેમ કે, મહાન કૃતઘ્નપણું છે.
આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે. સ્વચ્છંદમાં કલ્યાણ નથી. આજ્ઞાંકિતપણે રહેવામાં કલ્યાણ છે. એવો ભિન્નભાવરહિત, એટલે જુદાપણું નહીં. સત્પુરુષ અને હું જુદા છીએ એમ નહીં. હું અને સત્પુરુષ એક છીએ. જેમ પતિ-પત્ની એકત્વતાથી વર્તે છે તો સુલેહ, શાંતિ, સંપ વગેરે જળવાઈ રહે છે પણ સહેજ ભિન્નભાવ આવે છે તો અશાંતિ થઈ જાય છે. તેમ સત્પુરુષ પ્રત્યે કેવો પ્રેમ હોવો જોઈએ તે શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે,