________________
૨૮૧
ક્ષમાપના
અત્યંત દુર્લભ છે. હવે જેટલા મનુષ્યો છે એમાંથી સત્પુરુષના વચનો કેટલાને મળ્યા ? એમાં પ્રત્યક્ષના કેટલાને મળ્યા ? પરોક્ષમાં તો હજીય થોડા ઘણાને મળ્યા પણ પ્રત્યક્ષ સત્પુરુષના યોગમાં કેટલાને વચન મળ્યા ? બધા મનુષ્યમાંથી એક ટકોય નહીં. એમાંથી કામ કેટલાએ કાઢ્યું ? એમાંય એક ટકો. આવી દુર્લભતા છે, બાકી તો ધરમના નામે બધે તોફાનો ચાલે છે ! મંદિર બનાવો ને આ ભેગું કરો ને તે ભેગું કરો ને, અહીં આગળ આટલા આમ વાપરો ને ! બસ! પૈસાની જ ધામધૂમ ! માન, પૂજા, કીર્તિ અને પૈસા એ સાધનાના જંગલને બાળી નાખે છે. કોઈ સત્પુરુષનો વર્તમાનમાં ઉપદેશ કે જે બીજાને ઉપદેશ કરે છે એ ઉપદેશ તે પોતાના ઉપર લગાડે તો તેનું કલ્યાણ થઈ જાય.
નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮
અનુભવ નથી ને ઉપદેશ આપશો તો એ કાલ્પનિક હશે, વાસ્તવિક નહીં હોય. શાસ્ત્રનો મર્મ સમજ્યા વગ૨નો હશે. કોઈ સત્પુરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. સત્પુરુષના વચનો પ્રાપ્ત થવા ત્રણેય કાળ અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે. આવા રત્નત્રયધારી સત્પુરુષો, મુનિઓ, ગણધરો અને ભગવાનની દિવ્યધ્વનિ ત્રણે કાળ અત્યંત દુર્લભ છે અને એમાંય આ તો કેવો કાળ છે ! હુંડાવસર્પિણી પંચમ કાળ છે. દુષ્કાળમાં ખીર ખાવા મળે ક્યાંથી ? સત્પુરુષનો દુષ્કાળ વર્તે છે અત્યારે. પાંચસો-પાંચસો ગાઉ જશો તો પણ સત્પુરુષનો યોગ મળશે નહીં, આ સવાસો-દોઢસો વર્ષ પહેલાંની વાત છે અને અત્યારે એક મીંડુ વધારી દેવાનું. પાંચસોના બદલે પાંચ હજાર ગાઉ જશો તો પણ સત્પુરુષનો યોગ મળવો દુર્લભ છે. ત્રણે કાળ અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે.
ધન કન કંચન રાજસુખ, સબહી સુલભ કર જાન; દુર્લભ હૈ સંસારમેં, એક યથારથ જ્ઞાન. ચક્રવર્તીકી સંપદા, ઔર ઈન્દ્ર સરીખા ભોગ, કાગ વિટ સમ ગિનત હૈ, સમ્યક્દષ્ટિ લોગ.
સમ્યક્દષ્ટિ જીવો ચક્રવર્તીની સંપત્તિનું મૂલ્ય કાગડાની વિષ્ટા જેટલું પણ નથી કહેતા ! આ જગતની સંપત્તિની અને જગતના બાહ્ય સુખની મોક્ષગામી જીવ પાસે કોઈ કિંમત જ નથી.