________________
૩૧૪
ક્ષમાપના
હોય. વીતરાગદેવને નમસ્કાર, વીતરાગ ગુરુને નમસ્કાર અને વીતરાગ ધર્મને નમસ્કાર અને વીતરાગ ભાવને નમસ્કાર. વીતરાગતા સિવાય કોઈ પૂજ્ય નથી. વીતરાગ ભાવ સિવાય બીજા કોઈ ભાવથી આત્માનું રક્ષણ નથી. માટે સાધકનો આદર્શ વીતરાગતા જ હોય અને તેટલા માટે જ જેની ઉચ્ચ વીતરાગતા છે તેને તે ભજે છે, તેને તે પૂજે છે, તેનો આશ્રય કરે છે, તેમની આજ્ઞામાં ચાલે છે અને પોતાના કાર્યને સિદ્ધ કરી લે છે.
આત્માની ઓળખાણ હોય તો તેનું માહાત્મ્ય લાગે, એટલે જે કરે તે આત્માર્થે થાય, પણ આપણે હજી આત્માને તો ઓળખ્યો જ નથી. ઓઘસંજ્ઞાએ ઓળખ્યો છે, પણ સ્વસંવેદનપૂર્વક, અનુભૂતિપૂર્વક આત્માની ઓળખાણ કરી નથી. ક્ષયોપશમજ્ઞાનથી ઓળખ્યો છે, શાસ્ત્રથી ઓળખ્યો છે, કોઈના સ્વાધ્યાય, સત્સંગ સાંભળીને આત્માને ઓળખ્યો, એટલે કે યુક્તિથી, ન્યાયથી, શાસ્ત્રથી કે ગુરુગમથી ઓળખ્યો છે, પણ જ્યાં સુધી સ્વસંવેદનથી ના જાણે ત્યાં સુધી તેને જાણ્યો કહેવાય નહીં અને એ પ્રમાણે જાણ્યો તો –
જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.
– શ્રીમદ્ રાજચંદ્રજી
એટલે કે આત્મા સિવાય જગતના કોઈપણ પદાર્થનું માહાત્મ્ય આપણને રહેવું ના જોઈએ. કોઈપણ કાર્યનું, કોઈપણ પદાર્થનું, કોઈપણ વ્યક્તિઓનું, આ શરીરનું કે કુટુંબનું પણ માહાત્મ્ય ના રહેવું જોઈએ. ઠીક છે, ફરજ બજાવવાની છે, કર્મ બાંધીને આવ્યા છીએ તો એ બધાં સંયોગોમાં રહેવું પડશે, પણ એનું માહાત્મ્ય અંદરમાં ના હોવું જોઈએ. માહાત્મ્ય ફક્ત આત્માનું જ હોય અને આત્માનું માહાત્મ્ય હોય તેની નિશાની એ છે કે એક સેકન્ડ પણ એ આત્માને વીલો નહીં મૂકે. સત્સંગ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, ધ્યાન દ્વારા, ચિંતન-મનન દ્વારા, ગમે તે દ્વારા પણ એ વારંવાર આત્માનું સ્મરણ કરશે.
જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ; તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ.
‘જિન સમરો જિન ચિંતવો' એટલે ‘જિનપદ નિજપદ એકતા' આત્માને સમરો કે ભગવાનને સમરો બંને એક જ છે અને ખરો ભગવાન તો અંદરમાં બેઠેલો આત્મા છે. પેલા બહારના ભગવાન તો વ્યવહાર ભગવાન છે, અંદરમાં બેઠા છે તે નિશ્ચય ભગવાન છે; કેમ કે, મોક્ષનો દાતા એ અંદરનો ભગવાન છે, બહારના ભગવાન નહીં. એ નિમિત્ત છે, દાતા નથી.