________________
ક્ષમાપના
૩૬૪
જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
-શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૯૧ પરમકૃપાળુદેવે આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો છે કે સાચા દેવ-ગુરુ-ધર્મ તત્ત્વ ને આત્માની યથાર્થ ઓળખાણ કરાવી છે અને છતાં પોતે ગુરુ થયા નથી કે પોતાને ગુરુ માનવાનું પ્રરૂપ્યું નથી. સમ્યફદૃષ્ટિ આત્મા છે, એકાવતારી પુરુષ છે, કોઈ સામાન્ય પુરુષ નથી. મોક્ષમાળા, ઉપદેશછાયા, ઉપદેશનોંધમાં અને પત્રોમાં એમ ઘણી જગ્યાએ પોતે કહ્યું છે.
પોતે આચરે અને બીજાને આચરણ કરાવે એનું નામ આચાર્ય. હકીકતમાં વીતરાગ માર્ગમાં, વીતરાગ ધર્મમાં, જૈનધર્મમાં નિગ્રંથ ગુરુ તરીકે રત્નત્રયધારી આચાર્ય ભગવાન છે. ઉપાધ્યાય ભગવાનનું કામ પઠન-પાઠન કરવાનું છે અને સાધુ ભગવાનનું કામ રત્નત્રયની સાધના કરવાનું છે. આદેશાત્મક અને ઉપદેશાત્મક બોધ આચાર્ય ભગવાનને હોય. એના બદલે અત્યારે આચાર્યને બાજુમાં મૂકીને જીવો ઉપદેશાત્મક અને આજ્ઞાત્મક બોધ આપવામાં અગ્રેસર થઈ ગયા છે, આ જ કાળ-દોષ છે. ઉપદેશ અને આજ્ઞાનો અધિકાર આચાર્યોનો છે.
શ્વેતાંબરમાં પણ છે અને દિગંબરમાં પણ પણ છત્રીસ ગુણો આચાર્ય ભગવાન માટે છે, બીજા કોઈના માટે નથી. છતાં બીજાને ગુરુ તરીકે માનીએ ! જે, જે ભૂમિકામાં છે તેને તે ભૂમિકામાં રાખો. તેનાથી આગળ ચડાવો નહીં. અત્યારે વસ્ત્રધારી કેવળજ્ઞાની થઈને બેસી ગયા ને! બારમા ગુણસ્થાનકે મૂકે છે અને એમની પૂજાઓ ચાલે અને તેમને માનનારા લાખો છે. આ બધું મિથ્યાત્વ કંઈ ઓછું નથી ચાલતું. આવા તો અનેક પ્રકારના મિથ્યાત્વ જુદા-જુદા સંપ્રદાયમાં જુદા જુદા પ્રકારે ચાલે છે.
મુમુક્ષુ આ અસંયતિ પૂજા કહેવાય?
સાહેબ: હા, આ અસંયતિ પૂજા છે. પરમકૃપાળુદેવે પણ તેનો ઉલ્લેખ કર્યો છે. અસંયમીની પૂજા ના હોય, અને જે મહાવ્રતધારી નથી એ બધા અસંયમી છે અથવા શ્રાવકના વ્રત લીધા હોય તો દેશસંયમી છે, અવિરતિ હોય તો અસંયમી છે, સંયમી નહીં. આવું ભવિષ્યમાં સાંભળવા પણ નહીં મળે પ્રભુ! હું જઈશ પછી તમે બધા સી.ડી. સાંભળી સાંભળીને મને સંભારશો કે આ ગોકુળભાઈ હતા ને કહી ગયા હતા તો સારું થયું કે અમે અટકી ગયા, નહીં તો આ બધામાં ક્યાંક તણાઈ ગયા હોત.