________________
૨૧૨
શું સાધન બાકી રહ્યું ? જગતના દરેક જીવને સુખ તો જોઈએ છે. પણ, સુખ કોને કહેવાય? સુખ ક્યાં છે? અને સુખ કેવી રીતે મળે ? એની વિધિનો ખ્યાલ ન હોવાના કારણે જીવ સુખ માટે ચારેબાજુ ભમ્યા કરે છે.
કસ્તૂરી કુંડલ બસે, મૃગ ટૂંઢ બનમાંહી;
ઐસે ઘટી ઘટી આત્મા, દુનિયા દેખત નાહીં. કસ્તૂરીમૃગની નાભિમાં કસ્તૂરી હોય છે અને જંગલમાં પવન આવે છે તો એની સુગંધ એને આવે છે અને એ સુગંધવાળી વસ્તુ મેળવવા આખું જંગલ ભમે છે, હવે એ તો એની નાભિમાં જ છે અને શોધે છે આખા જંગલમાં. પછી છેવટે થાકે છે, ત્યારે ટિયું વાળીને સૂઈ જાય છે તો સુગંધ વધતી જાય છે. નાભિની નજીક આવ્યું નાક, એટલે એની સુગંધ વધતી જાય છે. એટલે હવે એને ખ્યાલ આવે છે કે જે સુખ માટે, સુગંધ માટે આખું વન ભટક્યો, એ સુગંધ તો મારી નાભિની અંદર કસ્તૂરી છે એમાંથી આવે છે; એમ અજ્ઞાની જીવ જે આનંદ અને સુખ મેળવવા આખી દુનિયા ભમે, પાંચ ઈન્દ્રિયના વિષયો ભોગવ્યા, પદાર્થો ભેગા કર્યા, પણ એને સાચું સુખ અને શાંતિ ના મળ્યા.
પછી એને સદ્ગુરુનો બોધ મળ્યો, અને એ જીવ જયારે અંતર્મુખ થયો, ધ્યાનસ્થ થયો ત્યારે તેને સાચી શાંતિ અને સુખનો અનુભવ થયો. ત્યારે તેને આશ્ચર્ય થાય છે કે અહો ! અત્યાર સુધી આ સુખ માટે પેલા હરણાની જેમ હું ચૌદ રાજલોક ભમ્યો, પણ સુખ તો મારી પાસે જ હતું. પરમકૃપાળુદેવ કહે છે,
હે જીવ! તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે. બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૮ આત્મા સિવાય બહારમાં ક્યાંય સાચું સુખ નથી. લેશમાત્ર પણ નથી. છતાં અજ્ઞાની જીવ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં ભોગવી આનંદ લેવા જાય છે અને ઉપરથી દુઃખ વધારે પામે છે. કારણ કે, તૃષ્ણા વધતી જાય છે અને તૃષ્ણા એ જદુઃખ છે. સંતોષ એ જ સુખ છે. તો તમારું સુખ તમારાથી એક ઈંચ પણ દૂર નથી, એક સે.મી. પણ દૂર નથી અને તમે બહાર ગમે તેટલું દોડશો તો ત્યાંથી મળવાનું નથી.