________________
ભક્તિના વીસ દોહરા
ગાથા - ૧૧
તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં.
૬૭
હે ભગવાન ! હું દેહ અને ઈન્દ્રિયોને વશ છું. ત્યાં હવે સત્પુરુષ સિવાય કોઈ બચાવે તેમ નથી. જગતના જીવો તો મને ઈન્દ્રિયોને વધારે પરાધીન થવાય એવા કામમાં પ્રવર્તાવવાના છે. એક સત્પુરુષ જ આ બધા દોષોથી આ કાળમાં બચાવી શકે એમ છે. જો હું એમની આજ્ઞા પ્રમાણે ચાલુ તો બચી શકું એમ છું, પરંતુ તેમનો મને વિયોગ છે. સત્પુરુષનો યોગ તો કાયમ કોઈને રહેતો નથી. કેમ કે, એ તો અપ્રતિબદ્ધવિહારી હોય છે અને એમાં પણ તેઓ મોટે ભાગે પોતાના આત્માની સાધનામાં રહેતા હોય છે. એટલે એમનો યોગ કાંઈ વધારે સમય રહે એવું તો બનતું નથી. જેવી રીતે સંસારની અપેક્ષાએ કોઈ પ્રિયજન હોય, કુટુંબીજન હોય, હિતસ્વી હોય અને તેમનો વિયોગ થાય તો ઘડી-ઘડી સાંભરે. ઘરમાં, કુટુંબમાં, સગાવહાલામાં કોઈ મરી જાય તો આપણને ઘડી-ઘડી સાંભરે, પણ સત્પુરુષનો વિયોગ હોય તો એ આપણને ઘડીઘડી સાંભરતો નથી અને કહીએ કે શું કરીએ ? આ કાળ જ એવો છે કે એમાં આમ જ હોય!
પછી કહે કે મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યો હોત તો તેમને મળ્યો હોત. ‘તો ત્યાં જા ભાઈ. ત્યાં હોઈશ તો તું બીજું જ કરવાનો છે.' વળી, કહે કે અહીંથી દેવલોકમાં જઈશ અને પછી સીધો ભગવાનના સમવસરણમાં જઈશ. અરે ! એક વખત જા તો ખરો, પછી ખબર પડે કે જાય છે કે નહીં. અરે ત્યાં તો દસ-દસ હજાર વર્ષના નાટકના શૉ હોય ! આપણે અહીં બે-પાંચ કલાકના હોય, ત્યાં દસ હજાર વર્ષનો શૉ હોય. એટલે જો અહીંથી સ્વર્ગમાં ગયો તો બધી દેવીઓ કહેશે કે ચાલો સ્વામીજી ! તમે આવ્યા છો તો તમારી સાથે આપણે નાટક જોવા જવાનું છે. જેમ અહીં ઘરવાળાને લઈને જાય છે ને એવી રીતે ત્યાં પણ જાય. અહીં એમ થાય કે આ ગયા ને મને કેમ યાદ નથી કરતા ? પણ શું યાદ કરે? એ નવરા પડે તો યાદ કરે ને ! આવું છે પ્રભુ !
વચન અને નયન દ્વારા વૃત્તિ બહાર ફરતી હોવાથી આત્માનું સ્મરણ પણ થતું નથી. વચન દ્વારા પણ ઉપયોગ બહિર્મુખ રહે છે અને નયનો દ્વારા પણ ઉપયોગ બહિર્મુખ રહે છે. આથી વૃત્તિઓ બહાર જ ફરતી હોવાથી આત્માનું, પરમાત્માનું સ્મરણ પણ થતું નથી. વિયોગ હોય છતાંય ચિત્ત જ્યાં લાગ્યું હોય તેનું જ રટણ રહે અને નજર સામે તેની જ મૂર્તિ દેખાય. શ્રી