________________
૪૬૦
છ પદનો પત્ર
જાય તે સ્વસ્થતાપૂર્વક, શાંતિપૂર્વક, સમતાપૂર્વક સમાધિમરણની પ્રક્રિયા કરી શકે, કષાયોને કાબૂમાં રાખી શકે. નિત્ય કહેતાં કષાયો ઉપર પણ કાબૂ આવે છે. કેમ કે, નિત્યપણાના કારણે આ કષાયો ભવિષ્યમાં પાછા દુઃખના નિમિત્ત થવાના છે. હું નિત્ય છું અને આ કષાયનું ફળ મારે ભાવિમાં ભોગવવાનું છે. એટલે કષાય ઉપર પણ પાછો કાબૂ આવે છે. કેટલા ફાયદા છે; - નિર્ભયતા આવે છે, સમાધિમરણ થાય છે, કષાય ઉપર કાબૂ આવે છે. એક પદાર્થ નિત્ય છે. આવો સમ્યક્ નિર્ણય થતા કેટલા શાંત પરિણામ અને સ્વસ્થ પરિમામ બની શકે છે !
જડ પદાર્થનો પરિણમાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય, તો તે તેવી જ જાતના થાય અથવા જડ સ્વરૂપ થાય, જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાનીપુરુષો મુખ્ય જ્ઞાન લક્ષણવાળો કહે છે તે તેવા એટલે કે ઘટ-પટ આદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ પદાર્થથી ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું તે આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેનાથી વિપરીત સ્વભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. એટલે જ્ઞાન જેમાં નથી તે બધા જડ છે. એ બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજા સહસ્રગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. આવા હજારો પ્રમાણોથી આત્મા નિત્ય છે, એમ સાબિત થઈ શકે છે. તેમજ તેનો વિશેષ વિચાર કરવાથી સહજ સ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે. જો થોડો વિચાર કરીએ તો નિત્યપણે આત્મા અનુભવમાં પણ આવે છે. તો આ પ્રમાણે ‘આત્મા નિત્ય છે' તે વાત બતાવી.
‘આત્મા છે’, ‘તે નિત્ય છે’, ‘છે કર્તા નિજકર્મ'; ‘છે ભોક્તા’, ‘વળી મોક્ષ છે’ ‘મોક્ષ ઉપાય સુધર્મ’. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૪૩
ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈપણ સંયોગો દ્વારા આત્માની ઉત્પત્તિ થાય એવો અનુભવ કોઈને પણ થતો નથી.
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬૨, ૬૩
—