________________
૪૩૦
છ પદનો પત્ર
કાળમાં જેટલી ભૂમિકાને આપણે પ્રાપ્ત થઈ શકીએ તેટલી ભૂમિકાની સામગ્રી આ વચનામૃતજીમાં તેમણે મૂકી છે. એ વચનામૃતજી સમજવા માટે તમે બીજા સત્ત્શાસ્ત્રોનો અભ્યાસ કરો તો કોઈ નિષેધ નથી. એ સારું જ છે. એ જ્ઞાનીની જ વાણી છે. એ શાસ્તાપુરુષના જ વચનો છે, પણ એટલી અનુકૂળતા ના હોય, યોગ્યતા ના હોય, સમય ના હોય તો વાંધો નહીં, એક આખું પુસ્તક વાંચવાનો સમય ના હોય તો વાંધો નહીં; એક છ પદનો પત્ર પૂરતો છે. દરરોજ આટલું તો જરૂર થવું જોઈએ. તો આ શ્રદ્ધા આપણને જન્મ-મરણના ત્રાસથી છોડાવશે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ આ છ પદ છે. તે અહીં વિશેષ કહે છે કે જેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેવા જ્ઞાનીપુરુષોએ નીચેના છ પદને સમ્યક્ત્વના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક એટલે કે રહેવાના સ્થળ કહ્યા છે. જેમને આત્માના સ્વરૂપનો અનુભવ થયો છે એવા અનુભવી જ્ઞાનીપુરુષોએ આ કહ્યું છે. આ છ પદની શ્રદ્ધા તે સમ્યક્ત્વના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક છે. તેમાં સમ્યક્ત્વનો નિવાસ છે. તેની શ્રદ્ધા થવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જ્ઞાન થવું એ અલગ વાત છે અને શ્રદ્ધા થવી એ અલગ વાત છે. જ્ઞાન તો પંડિતોને ઘણું હોય છે, પણ વર્તમાનકાળના પંડિતોને પ્રાયઃ શ્રદ્ધા ઓછી હોય છે. જ્યારે મુમુક્ષુઓને જ્ઞાન ઓછું હોય છે, પણ શ્રદ્ધાનું બળ વિશેષ હોય છે.
જેનામાં મુમુક્ષુતા આવી છે, પાત્રતા આવી છે તેને જ્ઞાનીપુરુષ ઉપર અને જ્ઞાનીપુરુષના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય છે. શાસ્ત્રમાં ‘સદ્ધા પરમ દુલ્લહા' કહ્યું છે. જ્ઞાન કે ચારિત્રને દુર્લભ નથી બતાવ્યું. કેમ કે, શ્રદ્ધા થયા પછી જ્ઞાન અને ચારિત્ર સાવ સુલભ છે. મુક્તિ દુર્લભ નથી, પણ મુક્તિનો દાતા દુર્લભ છે. જ્ઞાનની સાથે આપણું શ્રદ્ધાનું બળ પણ વધવું જોઈએ. શ્રદ્ધા ડગુમગુ થઈ જાય તો કામ ન થાય. શ્રદ્ધા સો એ સો ટકા જોઈએ. જ્ઞાન ઓછું હોય તો ચાલે. અંગુઠાછાપ હોય, લખતા વાંચતા ન આવડતું હોય તે પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે. તિર્યંચોને પણ સમ્યગ્દર્શન થાય છે. નારકીના જીવોને પણ સમ્યગ્દર્શન થાય છે. દેવલોકના દેવોને પણ થાય છે અને મનુષ્યોને પણ થાય છે. પશુ-પક્ષીઓ કે નારકી જીવો પાસે શાસ્ત્રો કે ભગવાન નથી, છતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે. એકવાર પણ જે બોધ સાંભળ્યો હોય છે તેની શ્રદ્ધાને તેઓ પકડી લે છે અને તેમનું કાર્ય થઈ જાય છે. તો શ્રદ્ધામાં કચાશ ન જોઈએ. જેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જ્ઞાનીપુરુષોએ નીચેના છ પદને સમ્યક્ત્વના નિવાસના સર્વોત્કૃષ્ટ એટલે કે સર્વથી ઉત્કૃષ્ટ સ્થાનક - રહેવાના સ્થળ કહ્યા છે. આ ભાવોને વિચારતા, તપાસતા તેમાંથી સમ્યક્ત્વ મળી આવે છે. માટે, આ ભાવોને તપાસો, વિચારો,