________________
૫૩૧
છ પદનો પત્ર છે એ ક્યારના ચાલ્યા આવ્યા છે? અનાદિકાળથી. અનંતાનુબંધી કષાયની ગાંઠ તૂટવી એનું નામ જ ગ્રંથિભેદ છે. આ ગાંઠ છે એ જીવને બહુ દુઃખ દેનારી છે. પરિભ્રમણમાં લઈ જનારી છે. નરક-નિગોદ ગતિમાં નાંખી દેનારા આ બધા કષાય છે. કષાયભાવે આ જીવનું ભૂંડું કરવામાં બાકી રાખ્યું નથી. જો એને કાબૂમાં ના કર્યા અને લડાઈમાં સામા આવે તો જીતવા દે એમ નથી. કેમ કે, આનો ઘેરો સામાન્ય નથી. જબ્બર ઘેરો છે. આત્માને અનાદિકાળથી બાંધી રાખ્યો છે. અનંતવારમાં કેટલીવાર મનુષ્યભવ મળ્યો? ત્યારે અનંતાનુબંધી કષાયનો અભાવ કેટલીવાર કર્યો? એક વાર પણ નહીં. જુઓ ! કેવા મજબૂત યોદ્ધાઓ છે ! એના ઉપર તો શુદ્ધભાવનું જબરદસ્ત બોમ્બાર્ડીંગ થાય ત્યારે તૂટે એવા છે. ત્યાં સુધી આ કષાય ક્ષીણ થઈ શકતા નથી. પ્રથમ ઢીલા પાડ્યા વગર છૂટકો નથી.
આ જ ભવમાં, અત્યારથી જ કષાયોને પાડવાના છે. અત્યાર સુધી જે થયું તે થયું. હવે પુરુષાર્થ કરીએ. પ્રેક્ટીકલી જીવનમાં, ઘરમાં, દુકાનમાં, સગા-સંબંધીઓમાં આપણો અકષાયભાવયુક્ત વ્યવહાર કેટલો છે? કષાયભાવ એટલે એકલો દ્વેષ નહીં, પણ સાથે રાગ પણ. તમે ઘરવાળામાં પણ કેટલો રાગ કરો છો? કુટુંબીજનોમાં કેટલો રાગ કરો છો? અને બીજા એવા સચિત્ત કે અચિત્ત પદાર્થોમાં કેટલો રાગ કરો છો? એ પણ સાથે લેવાનું છે. એકલો ક્રોધ ન કર્યો કે અભિમાન ન કર્યું એટલે કષાય છૂટી નથી ગયા. પણ, રાગ કેટલો કર્યો છે? એમાં કેટલી એકાકારતા થઈ છે? એની સ્મૃતિ મગજમાં કેટલો સમય ચાલે છે? એ એનું બેરોમીટર છે.
શ્રુત-પરિચિત-અનુભૂત સર્વને, કામભોગબંધનની કથા; પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના !
– શ્રી સમયસાર - ગાથા -૪ ઉપરોક્ત ભાવ તમને કેટલા ઘટે છે? આત્માના, છ પદના, નવ તત્ત્વના અથવા જ્ઞાનીઓના, દેવ-ગુરુ-ધર્મના વિચારો તમને કેટલા આવે છે? એ તમારા કષાય કેટલા ઘટ્યા છે તે બતાવશે. હજી એ મંદ કષાય છે. દેવ-ગુરુ-ધર્મના, ભક્તિના કે સારા ભાવ થવા એ પણ મંદ કષાય છે અને સ્ત્રી, પુત્ર, ધન, પાંચ ઈન્દ્રિયના વિષયોના જે ભાવ છે એ બધા તીવ્ર કષાય છે. તો તીવ્રમાંથી મંદ કષાય કેટલા થાય છે એ જોવાનું અને એ મંદ કષાય પછી કેટલા અંશે તૂટે છે એ જોવાનું. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજવલન કેમ તૂટે એ જોવાનું.