________________
ભક્તિના વીસ દોહરા
૧૦૧
જેમ તમારું બાળક પલાઠી વાળીને તમારી સાથે ધ્યાનમાં બેસી જાય, પણ મનમાં વિચારે છે કે પપ્પા હમણાં ધ્યાનમાંથી ઊભા થશે એટલે મને ચોકલેટ આપશે. બાળક તોફાન ના કરે, મમ્મીને હેરાન ના કરે અને પોતાને સાધના કરવા દે એટલા માટે પપ્પા એને કહે કે તું મારી સાથે ધ્યાનમાં બેસીશ તો તને ચોકલેટ આપીશ. એટલે એ ચોકલેટ લેવાની લાલચે ધ્યાનમાં બેઠો છે, પણ એનું ધ્યાન કાંઈ આત્મામાં નથી. એનું ધ્યાન ચોકલેટમાં જ છે. એમ આપણું ધ્યાન સંસારના પદાર્થો અને સુખમાં જ છે પણ આત્મામાં નથી. કેમ કે એટલી પાત્રતા આપણે કેળવી નથી. અધિકારી થયા વગર વસ્તુની પ્રાપ્તિ થાય નહીં. માટે અધિકારી બનો. એના માટે જ પુરુષાર્થ છે. સાધના એ જ છે કે તમે અધિકા૨ી બનો - પાત્ર બનો. ભાવ વિશુદ્ધ રાખો, ક્યાંય અહમ્ - મમત્વપણું થતું હોય તો કાઢી નાખો. અહમ્ - મમત્વપણું ગયા વગર તો આત્મધ્યાન થાય નહીં અને ઉપયોગ શુદ્ધ થાય નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે,
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર- ગાથા – ૯૯
બંધના કારણોમાં વર્તીએ અને મોક્ષ થાય એવું તો બનવાનું નથી. બંધના કારણ પાંચ છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ કારણો હટ્યા વગર આપણે આત્માનું ધ્યાન કરી શકવાના નથી. ભેદજ્ઞાન થઈ શકવાનું નથી. તેમાં સૌથી પહેલાં મિથ્યાત્વને કાઢવાનું છે અને જો મિથ્યાત્વને કાઢવું હોય તો પરમાં એકત્વબુદ્ધિ, પરમાં અહમ્-મમત્વપણું છોડો. પહેલા બુદ્ધિપૂર્વક છોડો, પછી પ્રયોગ દ્વારા છોડો. જ્યારે પ્રયોગ કરો ત્યારે ઉપયોગ ક્યાંય જવો ના જોઈએ. હું માત્ર શુદ્ધ ચૈતન્ય, ત્રિકાળી, એકાકી, ચૈતન્ય સત્તાસ્વરૂપ છું. બાકી જે કાંઈ છે તે બધુંય સંયોગમાં છે. દેહ પણ આપણો નથી તો કુટુંબીજનો તો આપણા હોય જ ક્યાંથી ? આ જડ પદાર્થના સંયોગો તો આપણા હોય જ ક્યાંથી? એમ પરદ્રવ્ય કે પરભાવમાં ક્યાંય પણ અહમ્બુદ્ધિ – મમત્વબુદ્ધિ ના થાય, વારંવાર એની ભાવના - ચિંતવન દ્વારા દઢતા આવી જાય પછી વાંધો નથી. એક સાઈડ તમારી ક્લીયર થઈ ગઈ.
હવે બીજી સાઈડ જે રહી તે એ કે જે કષાયો છે એને મોળા પાડો. અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ જ્યાં સુધી અનંતાનુબંધી પ્રકારના છે ત્યાં સુધી એ પણ તમને આત્મજ્ઞાન થવામાં બાધક થશે. એટલે એ કષાય ઉપર ચોટ મારો. આ જ તો સાધના છે. આપણે એમ માનીએ કે હું પચ્ચીસ પુસ્તક વાંચી ગયો એટલે હવે મને આત્મજ્ઞાન થઈ જશે, તો