________________
૩૦૧
ક્ષમાપના.
મોહ એટલે દર્શનમોહકૃત પરિણામ અને ક્ષોભ એટલે રાગ-દ્વેષમય પરિણામો. એટલે મિથ્યાત્વ રહિત, રાગ-દ્વેષ પરિણામ રહિત આત્માના સ્વરૂપમાં રમણતા થાય એનું નામ ઉત્તમ ચારિત્ર કહેવાય છે. સાચું ચારિત્ર પાળનારો જીવ નિયમથી મોક્ષે જવાનો. આત્મસ્વભાવમાં રહેવું તે શીલ છે એ મેં પાળ્યું નહીં. અનંતવાર હું મુનિ થયો પણ આત્મસ્વભાવમાં હું ના રહ્યો, આત્માના સ્વરૂપનો આશ્રય ના કર્યો, આત્માના સ્વરૂપમાં સ્થિરતા ના કરી. આ પ્રકારનું ઉત્તમ શીલ મેં પાળ્યું નથી. શીલ પાળે એનું સર્વ પ્રકારે આત્માનું રક્ષણ થાય છે.
શીલ ગુણમાં બધાય આત્માના ગુણો આવી જાય છે. પાંચ ઈન્દ્રિયોનો સંયમ કરવો એ બાહ્ય શીલ છે. આંખનો સદુપયોગ કરવો એ આંખનું શીલ છે. કાનનો સદુપયોગ કરવો એ કાનનું શીલ છે, સ્પર્શેન્દ્રિયનો સદુપયોગ કરવો એ સ્પર્શેન્દ્રિયનું શીલ છે. આવી રીતે પાંચેય ઈન્દ્રિયોનું જે સમ્યક્ષેરિણામ અથવા શુભભાવયુક્ત પ્રવૃત્તિ એ વ્યવહારશીલ છે. બીજું, નિશ્ચયશીલ છે. આવું શીલ મેં પાળ્યું નહીં.
શીલ રતન મહોતો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલ મેં આન. શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ.
– શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના આત્મામાં રમણતા કરવાવાળાને સાત પ્રકારના ભય હોતા નથી. સર્પ શીલવાળાને કરડી શકતો નથી. કોઈ હિંસક પ્રાણી એનું નુક્સાન કરી શક્તો નથી. ગજસુકુમાર મુનિના સસરાએ જે સગડી સળગાવી એ એમને નુક્સાન કરી શકી નહીં. કેમ કે, એમને શીલનું રક્ષણ હતું. શીલ એટલે સ્વભાવમાં રમણતા. મહામુનીશ્વર હતા એટલે તેમને અત્યંતર અને બાહ્ય બંને શીલનું પાલન હતું.
શીલ રતન કે પારખું, મીઠા બોલે બૈન; સબ જગસે ઊંચા રહે, નીચા રાખે નૈન.
– શ્રી લાલાજી રણજીતસિંહજીકૃત શ્રી બૃહદ્ આલોચના આત્માનું શીલ એટલે સ્વરૂપસ્થ થવું. એટલે હવે કોઈ વિભાવ આવે નહીં અને કર્મનો પ્રવેશ થાય નહીં, સીલ લાગી ગયું ! વિભાવ એ કુશીલ છે અને સ્વભાવ એ સુશીલ છે.