________________
૬૨૦
ત્રણ મંત્રની માળા
આધીન થઈને વર્તે છે અને તેવા ‘ભાવ’ કરે છે. હવે તેના એવા વર્તન પાછળ તમે તમારા ભાવ શું કામ બગાડો છો ? તમારે ભાવ બગાડવાની કોઈ જરૂર નથી. તમારે આત્માની શાંતિ જોઈએ છે તો બધાના વિકલ્પ છોડી દો, પછી તે ઘરવાળા હોય કે દેહ હોય; દેહને પણ શાતા-અશાતાના ઉદય આવે છે. એ ઉદય તમે કર્મ બાંધ્યા છે માટે આવ્યા છે, કોઈએ મોકલ્યા નથી. તો એને સમતાભાવે ભોગવી લો. સમતાભાવે નહીં ભોગવો અને હાયવોય કે આકુળતા-વ્યાકુળતા કરશો તોય કંઈ વેદના ઘટવાની નથી અને શાંતભાવથી વેદશો તો વેદના કંઈ વધી જવાની નથી. એ તો એના ઉદય પ્રમાણે રહેવાની છે. જો તમારે શાંતિ જોઈતી હોય તો દુનિયાની કોઈપણ બાબતમાં માથું મારવાનું તમે છોડી દો. અશાંતિ થાય છે તેનું કારણ એ કે તમે તમારા સ્વરૂપનો આશ્રય છોડીને બીજાના વિકલ્પમાં પડ્યા. પછી અશાંતિ ના થાય તો આશ્ચર્ય. અશાંતિ થાય એમાં આશ્ચર્ય શું ? માટે મંત્રનું બળ વધારો. હાલતા-ચાલતા મંત્રનું સ્મરણ કરો.
જેમ ગારુડી વિષને ઉતારે છે તેમ આ મંત્ર મિથ્યાત્વરૂપી ઝેરને ઉતારનારો છે, ચૌદ પૂર્વનો સાર છે. પિસ્તાલીસ આગમ અને બધાય શાસ્ત્રો વાંચે તો એના સારરૂપે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' છે. આ બધાયનો સાર આટલો જ છે. પણ તેને ધ્યાનમાં જાપ દ્વારા પદ્ધતિસર કરશો તો એનાથી ઘણો લાભ થશે. તો એ જાપ કરતી વખતે આસનની સ્થિરતા, દૃષ્ટિબંધ, મેરુદંડ સીધો, ધીમા-ધીમા શ્વાસોચ્છ્વાસ, જીભને તાળવા ઉપર અડાડેલી રાખવાની, મંત્રનો ભાવાર્થ સમજવાનો, મંત્રમાં અને મંત્રના આપનાર ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવાની. વારંવાર મંત્ર બદલવો એ પણ ચંચળતાનું કારણ છે, એમાં કોઈ લાભ ના થાય.
આ મંત્ર એવો છે કે બધાય મંત્રોનો સાર છે. પાંચ પરમગુરુ એટલે નવકારમંત્રનો સાર થઈ ગયો. ‘સોહમ્’ એટલે ‘જે પરમાત્મા તે જ હું’ અથવા જે ‘સહજાત્મસ્વરૂપ તે જ હું’. આ મંત્રમાં સોહમ્ મંત્રનો પણ સાર આવી ગયો. નિશ્ચયથી મારું સહજાત્મસ્વરૂપ તે જ મારા પરમગુરુ છે. આત્માનો ગુરુ આત્મા જ છે. વ્યવહારથી પંચપરમેષ્ઠિ ભગવાન છે. એટલે પરમકૃપાળુદેવે કહ્યું કે, આત્મા જેવો કોઈ દેવ નથી. આત્મા જેવો કોઈ ગુરુ નથી. આત્મા જેવો કોઈ ધર્મ પણ નથી. આત્મા જેવો કોઈ દાતા પણ નથી. આ જગતમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને મોક્ષનું દાન કરનાર તમારો આત્મા છે અને તમે તેની જ સામે નથી જોતા !! તમારું એણે શું બગાડ્યું છે એ મને કહો તો ખરા! બધાયની સામે જુઓ છો અને એના સામે જ નથી જોતા !
પરમગુરુ પરમાત્મા જેવો જ હું સહજાત્મસ્વરૂપી આત્મા છું, એ આ મંત્રનો વ્યવહાર અર્થ છે અને મારું સહજાત્મસ્વરૂપ એ જ મારો પરમગુરુ છે તથા એ સહજાત્મસ્વરૂપના આશ્રયે