________________
ભક્તિના વીસ દોહરા
તો એ પણ પાપરૂપ જ કહેવાય. આવી રીતે અનેક પ્રકારના અવગુણો હે પ્રભુ ! મારામાં છે. મારામાં હજી સાચી પાત્રતા આવી નથી. માટે હે ભગવાન ! હું તમારી સન્મુખ આવતાં પણ શરમાઉં છું, લજ્જાઉં છું. શું મોઢું લઈને હું તમારી સમક્ષ આવું ? એકે સાચો ગુણ પ્રગટ્યો નથી અને આપ તો સર્વગુણસંપન્ન છો. માટે આપની સન્મુખ આવતા પણ હું ધ્રુજું છું, શરમાઉં છું.
૮૪
હે પ્રભુ ! આટલા બધા સાધનો હોવા છતાં, આટલા વર્ષોથી સાધના કરતો હોવા છતાં હજી સાચો એકે ગુણ મારામાં પ્રગટ્યો નથી કેમ કે, સ્વચ્છંદથી સાધના કરી છે, સમજ્યા વગર સાધના કરી છે. એટલે એ સાધન પણ બંધનનું કારણ થયું છે, પણ મુક્તિનું કારણ થયું નથી. સાચા સદ્ગુણ વગર સાચી શાંતિ આવે નહીં. સાચા સદ્ગુણ પ્રગટ્યા વગર મોક્ષમાર્ગમાં આગળ વધાય નહીં. ‘એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય.’ એક સદ્ગુણ પણ પ્રગટ્યો નહીં તો હવે હું શું તમારી સામે મોઢું બતાવું ? પ્રભુ ! આટલા વર્ષોથી સાધના કરું છું, પણ સાધ્ય શુદ્ધ આત્મા છે અને તે આત્માના આશ્રયે સાચી સાધના થાય છે, એ લક્ષ હું વારંવાર ચૂકી જાઉં છું અને બાહ્ય સાધનામાં હું લાગી જાઉં છું, એટલે એ સાધના દ્વારા મને જે સાચી શાંતિ મળવી જોઈએ, પરિતૃપ્તપણું આવવું જોઈએ, તે આવતું નથી.
હે પ્રભુ ! હું સાધનારહિત છું. તેથી તમારા શરણે આવ્યો છું. વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને તેમનો બતાવેલો ધર્મ તથા સત્શાસ્ત્રો દ્વારા આપણને સાચી સાધનાનો લક્ષ થાય છેઃ માંડ આ મનુષ્યભવ મળ્યો છે અને હું સંસારની ખટપટો અને બાહ્ય વ્યવહાર સાધનામાં જ મારો સમય વ્યતીત કરી નાંખું છું. મૂળ સાધના જે છે તે અનાદિકાળથી મારા લક્ષમાં જ નથી આવી. હવે આપની કૃપાથી મને વીતરાગદેવ અને નિગ્રંથગુરુનો બોધ મળ્યો, અને સાચા ધર્મની સમજણ આવી. હવે લૌકિક રીતોને છોડી અલૌકિક રીતે અને અલૌકિક માર્ગે પ્રવર્તી તો જ મારું કલ્યાણ થાય તેમ છે.
હે પ્રભુ ! તમને મોઢું બતાવવાને લાયક થાઉં એવા મારા આત્મામાં સદ્ગુણો પ્રગટ થાય, એ જ મારી આપને પ્રાર્થના અને વિનંતી છે. બીજું મારે કશું નથી જોઈતું. સંસારનો કોઈ પદાર્થ જોઈતો નથી, સંસારનું કોઈ સુખ જોઈતું નથી. બસ, તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું હવે હું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આ પ્રમાણેના ભાવ આ દોહરામાં વ્યક્ત કર્યા છે.
✰✰✰