________________
ક્ષમાપના
૩૬૯
ફેરવવાની છે કે ફરીને માળાઓ ના ફેરવવી પડે. જે જે વ્યવહાર સાધના છે એટલા માટે કરીએ છીએ કે ફરીને વ્યવહાર સાધના કરવી પડે નહીં અને નિશ્ચય સાધના એટલે આત્મામાં ઉપયોગની અભેદતા. એના માટે વ્યવહાર સાધના છે.
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૬
—
જે જે કારણને લઈને આત્માની આરાધના થતી નથી, તે મારા પાપો ટળી જાય તે મારી અભિલાષા છે. હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. તો આ પાપના ઉદયના કારણે આત્માની આરાધના સમ્યક્ પ્રકારે થઈ શકતી નથી, અને પાપમાં મુખ્ય પાપ મિથ્યાત્વ છે. પાપનો બાપ મિથ્યાત્વ છે. એના કારણે અનેક પાપો થયા કરે છે. મૂળ પાપ મિથ્યાત્વ છે. બીજું કોઈ પાપ ના કરો, પણ મિથ્યાત્વના કારણે તમારું પરિભ્રમણ ને દુઃખ અટકવાના નથી અને આસ્રવ-બંધ અટકવાનો નથી. જે ક્રિયાથી આસ્રવ-બંધ થાય તે બધી ક્રિયાઓ પાપમય છે.
પાપને તો પાપ જાણે જગ સહુ કોઈ, પુણ્ય પણ પાપ છે એમ કહે અનુભવી જન કોઈ !
- શ્રી યોગસાર
બહારમાં ધર્મ વધારે થઈ જાય તો રાજી થઈ જઈએ. અઠવાડિયું પાલિતાણા, ગિરનાર, સમેતશિખર કે કોઈ તીર્થક્ષેત્રમાં જઈ આવીએ એટલે ખુશ થઈ જઈએ છીએ કે મેં જાત્રા કરી. એમ લાગે છે પણ વિચારવું કે શું જાત્રા કરી ? જેવા ‘ભાવ’ હું અહીં કરતો હતો તેવા ભાવ મને ત્યાં થયા છે. એમાં ફરક શું પડ્યો ? અહીં પણ અવલંબન હતું ને ત્યાં પણ અવલંબન હતું. તો એમાં ફેર શું પડ્યો? પરમકૃપાળુદેવે કહ્યું કે, અમારે ઘર અને વન બેઉ સરખા છે. ઘરમાં હોઈએ તો પણ અમારી આ જ આરાધના છે, અને વનમાં હોઈએ તો પણ અમારી આ જ આરાધના છે. મારા પાપો ટળી જાય અને આત્માની આરાધના થાય એ મારી અભિલાષા છે. પાપથી મુક્ત થાય તો નિર્દોષ થાય. એટલે બધા વિભાવોથી મુક્ત થાય તેટલા અંશે નિર્દોષ. જેટલા અંશે સમ્યગ્દર્શન તેટલા અંશે કલ્યાણ, તેટલા અંશે નિર્દોષ, તેટલા અંશે મોક્ષ અને જેટલા અંશે મિથ્યાત્વ છે તેટલા અંશે દોષ, પાપ, અપરાધ. તેવી રીતે સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રમાં પણ સમજવું. મોક્ષ એટલે આત્માની શુદ્ધતા, પાપરહિત દશા એ જ મોક્ષ છે.
મોક્ષ કહ્યો નિજશુદ્ધતા.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૩