________________
પ૬૦
છ પદનો પત્ર આખું આપણું પડળ કાઢીને બતાવ્યું છે કે જુઓ આ અહંપણું, મમત્વપણું – તમારા મિથ્યાત્વનો મોતિયો. આ તમારી આંખને બરાબર દેખવા દેતો નહોતો. ભ્રમ સહિત દેખાડતો હતો. જ્યાં પોતાનું નહોતું ત્યાં પોતાનું મનાવતો હતો. એ આ મોતિયો હતો મિથ્યાત્વનો. એ તમને અમે બતાવ્યો છે. પરમકૃપાળુદેવ પત્રાંક - પ૩૭ માં જણાવે છે,
શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. આ કંઈ વિકટ કામ નથી.
આ કંઈ ડુંગર ચડવાનો નથી કે લાખ રૂપિયા ખિસ્સામાંથી આપી દેવાના નથી. “અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો.” મિથ્યાત્વનું ભૂસુ ભરાણું છે એ કાઢી અને સાચી શ્રદ્ધા કરવાની છે. આમાં મિથ્યાત્વનો બોજો નીકળી જાય એવું છે. સહજ છે.
તમારા ઘરમાં દાગીનાનો દાબડો ક્યાં છે તે તમે મને ના કહો તો મને ખબર ના પડે. પણ મારા ઘરમાં દાગીનાનો દાબડો ક્યાં હોય એ તો મને ખબર હોય. એમાં મારે કોઈ બીજાને પૂછવાની જરૂર નથી. એમ મારા ઘરમાં રત્નત્રયનો દાબડો પડ્યો છે. એ માટે મારે બીજાને પૂછવું પડે એ કેવું કહેવાય ! પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. ઘણી વખત સ્વપ્નમાં આપણી નનામી આપણે જોતાં હોઈએ છીએ, આપણને બળતા પણ આપણે જોતા હોઈએ છીએ. આપણો દેહ છૂટી ગયો એ પણ આપણે જોતાં હોઈએ છીએ. સ્વપ્નમાં તો બધું દેખાય છે પણ સ્વપ્ન તૂટી જાય ત્યારે આપણી નનામી નથી હોતી, પણ પથારી હોય છે.
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસે. ઊંઘમાં અટપટા ખેલ ભાસે એટલે અજ્ઞાનમાં આ બધું અનેક વિચિત્ર દેખાય. જે પોતાનું નથી એ પોતાનું દેખાય. જેમાં સુખ નથી એમાં સુખ દેખાય. જેમાં દુઃખ છે એમાં સુખ દેખાય. સાચું સુખ છે એની શ્રદ્ધા ના થાય અને જો આત્મજ્ઞાન થાય તો એની બ્રાંતિ જાય. આગળ પત્રાંક-પ૩૭ માં કહે છે, પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે.