________________
૧૨૯
શું સાધન બાકી રહ્યું ? અનંતભવથી કરી, અનંતવાર મનુષ્યભવ મળ્યો, અનંતવાર જ્ઞાનીઓનો યોગ થયો, અનંતવાર આ જીવ મુનિ થયો, છતાં તે સાચી સાધના અને સાચા પુરુષાર્થથી કેમ વંચિત રહ્યો? એ તરફ તેની દૃષ્ટિ કે લક્ષ્ય કેમ ન ગયું? આ ભવમાં પણ આટલું બધું સમજીએ છીએ, આ યમનિયમનું પદ વાંચીએ છીએ, છતાં દૃષ્ટિ કેમ નથી થતી?
વારંવાર એકાંતમાં બેસીને આત્માને જગાડવાનો છે. પૂછવાનું છે કે ભાઈ ! તારે હવે શું જોઈએ છે? તારે શું કરવું છે? અને જગતની કઈ વસ્તુ તને શું કામ આવે એવી છે? જગતના જીવો ગમે તેટલા ટાઈટલ આપે, ગમે તેટલા હાર પહેરાવે, ગમે તેટલી માન પૂજા કરે, ગમે તેટલું બહુમાન કરે, ગમે તેટલા ભૌતિક પદાર્થો અને ભૌતિક સુખ મળી જાય, એ તમને શું કામ આવે? જગતનો એક અણુ માત્ર પણ આત્માને કલ્યાણકારી નથી અને જગતના કોઈપણ ચેતન કે અચેતન પદાર્થો સાથે આ જીવને કાંઈ લાગતું વળગતું કે લેવા દેવા પણ નથી, છતાં મોહના ઉદયમાં આટલા બધા રાગ-દ્વેષ પરિણામ કેમ? આટલા બધા મમત્વના પરિણામ કેમ? આટલું બધું પરમાં અહંપણું કેમ? આટલું બધું પરમ કર્તુત્વપણું – ભોક્તત્વપણું કેમ? જગતના પદાર્થમાં આટલું બધું ઈષ્ટ - અનિષ્ટ માનવાપણું કેમ? અને તેના નિમિત્તે હર્ષ-શોક કેમ? આ બધું થવાનું કારણ પદાર્થનો અનર્ણય છે. એકવાર નિર્ણય કર્યો, પછી નિર્ણય ફરવો ના જોઈએ અને તે નિર્ણય જ્ઞાનીના બોધ અનુસાર કરો, તમારી મૌલિકતાથી કરો, તો તે નિર્ણય નહીં ફરે. અજ્ઞાનીઓ હજારો પ્રકારના બોધ આપશે અને જ્ઞાનીનો બોધ એક જ પ્રકારનો હશે. હજાર અજ્ઞાનીને સાંભળવા કરતાં એક જ્ઞાનીની આજ્ઞા માનીને ચાલવાથી કામ થાય છે અને તે આજ્ઞા પણ મોક્ષમાર્ગની હોય છે.
તો, આજદિન સુધીની આપણી કઈ કઈ ભૂલો થઈ છે? એ ભૂલો કેમ ટળે? અને ભૂલો ટળે તો એનું ફળ શું આવે? એ આ પદમાં બતાવ્યું છે. બહુ જ ઉત્તમ મર્મવાળું આ પદ . નિત્યક્રમમાં આ પદ રોજ બોલીએ છીએ. જેમ હનુમાનજી આખો દરિયો ઓળંગી ગયા, પણ એ દરિયાની અંદરમાં શું હતું તે જોયું નહીં અને લંકામાં પણ જ્યાં સીતા માતાને રાખ્યા હતા તે જ જોયું. તેમ પ્રભુશ્રીને પરમકૃપાળુદેવે બોધ આપ્યો ત્યારે કહ્યું કે, “બેટ્ટો હોય એ બીજું જુએ.” આવી આત્મદષ્ટિ કરવાની છે અને આવી આત્મદષ્ટિ થાય તો જ સાધ્યની સિદ્ધિ થાય, નહીં તો ના થાય. જેમ બળદ ધીમો ચાલતો હોય તો ગાડું ચલાવનારો તેને આર મારે છે, એટલે બળદ પાછો તેજ ચાલતો થઈ જાય. તેમ પરમકૃપાળુદેવે આપણને અહીં આર ભોંકી છે કે તમે હવે જાગૃત થઈને ચાલો, નહીં તો મનુષ્યભવ થોડો બાકી છે તે પૂરો થઈ જશે.