________________
૧૧૮
ભક્તિના વીસ દોહરા. કાલની ચિંતા કરતા નથી અને આપણે આખી જિંદગી જમીએ એટલું મળી ગયું છે તોય હજી ચિંતા થયા કરે છે કે મારી ઈકોતેરમી પેઢીવાળો દુઃખી થાય નહીં !! સિત્તેર પેઢીને તો વાંધો આવે એવો નથી. વ્યાજમાં ને વ્યાજમાં જ ચાલે એવું છે, પણ ઈકોતેરમી પેઢીવાળાને ખૂટી જાય એમ છે, કેમ કે મોંઘવારી વધતી જાય છે. હવે એમનું શું થશે !! “એમનું શું થશેએના વિચારમાં “મારું થશે? એ જીવ ભૂલી જાય છે. માટે સંતોષ રાખવો. તૃષ્ણાનો તો કોઈ અંત નથી, તમારો અંત આવી જશે.
મારી પાસે કાંઈ નથી, ઘણું મેળવવું છે એમ વિચારીને મહેનત કર્યા કરે છે. આ બધાના હિસાબે તો મારી પાસે કાંઈ નથી. હજુ ઘણું મેળવવું છે. શહેરમાં રહેવા આવ્યા છીએ તો કરીને બતાવવું છે કે ગામડામાંથી શહેરમાં આવ્યા તો પહેલા આવા હતા અને હવે આવા થયા. એમ વિચારીને એ બળદની જેમ આખો દિવસ મહેનત કર્યા કરે છે. દોડમ દોડ... દોડમ દોડ... હવે કોઈ જીવ અઢાર-અઢાર કલાક મહેનત કરે તો પણ મળવાનું તો પુણ્યના ઉદય પ્રમાણે. ગમે તેટલું કરે - કાળી મજૂરી કરે, ચોરી કરે, જૂઠું બોલે, અનેક પ્રકારના પાપ કરે, હિંસા કરે, ધન મેળવવા માટે ગમે તે કરે તો પાપના પોટલા તો બાંધવાનો, પણ મળવાનું એનું પુણ્ય હશે એટલું જ. પણ સાચી સમજણ નથી, વિવેક નથી એટલે જીવો અજ્ઞાનતામાં ખોટા માર્ગે દોડી જાય છે. એટલા માટે સત્સંગની ખાસ જરૂર છે. તે પ્રમાણે પોતાના દોષો વિચારીને અભિમાન મૂકે તો આત્માના સન્મુખ વગેરે અનંત ગુણો મેળવવા પુરુષાર્થ કરી શકે. આત્માનો બોધ સાંભળીને આત્મામાં અનંત સુખ છે એ મારે મેળવવું છે એવી ભાવના જાગે તો તે સુખ માટે પુરુષાર્થ કરી શકે. જેવો પૈસા માટે પુરુષાર્થ કરો છો તેવો પુરુષાર્થ આત્માનું સુખ મેળવવા માટે કરો. સંસારનું સુખ પ્રારબ્ધ અનુસાર મળે છે અને આત્માનું સુખ પુરુષાર્થ પ્રમાણે મળે છે. મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરે તો પુરુષાર્થને અનુરૂપ ફળ મળ્યા વગર રહેતું નથી.
જીવ અનાદિકાળથી ભિખારી જેવો છે! મોટો રાજા થાય તો પણ ભિખારી જેવો જ છે. પૈસાવાળો થાય તો પણ ભિખારી જેવો જ છે. જેટલા પૈસા વધારે એટલો ભિખારી મોટો. આ અબજો રૂપિયાની લોન લેવાવાળા પૈસાવાળા જ છે અને એ બેંકોને ડૂબાડનારા પણ પૈસાવાળા અને રાજકારણવાળા જ છે અને એ ના ડૂબે એના માટે કાયદો કરનારા પણ રાજકારણવાળા જ છે! કઈ નરકમાં જશે એ ખબર નથી ! આ રાજકારણવાળા કેટલા કાવાદાવા, ખટપટો કરે છે! પ્રપંચોમાં રાચે છે ! બોલવાનું કંઈ, કરવાનું કંઈ, ચાલવાનું કંઈ, અંદરમાં કંઈ, બહારમાં કંઈ અને એ માને કે હું હોંશિયાર છું. એ બધી હોંશિયારી એક દિવસ નીકળી જવાની છે. પુણ્યનો ઉદય છે ત્યાં સુધી ઠીક છે. કરી લે ભાઈ !