________________
૨૮૬
ક્ષમાપના
“જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણું!” “આત્માથી સૌ હીન” અને “જગત ઈષ્ટ નહીં આત્મથી.” તો આ આત્માની વાત તમને મળી પછી કેમ બધે ફાંફાં મારતાં દોડાદોડ કરો છો, કે અહીંથી મળી જાય કે ત્યાંથી ! જ્યારે મળશે ત્યારે તમને તમારા અંદરમાંથી જ મળશે, જ્યાં છે ત્યાંથી જ મળશે, નથી ત્યાંથી નહીં મળે, ગમે તેટલું દોડો, ગમે ત્યાં દોડો, ભગવાન પાસે જાવ, ગુરુઓ પાસે જાવ એ બધાય તમને કહે છે કે ભાઈ, તારું કાર્ય તારા સ્વરૂપના આશ્રયે જ છે, બીજે નથી. આટલું કહેવા છતાંય તમે સ્વરૂપનો આશ્રય ના કરો અને બીજો આશ્રય ના છોડો તો કામ નહીં થાય. સ્વરૂપનો આશ્રય કરવો હશે તો બધાય આશ્રય છોડવા પડશે. જો કે તમને સ્વરૂપનો લક્ષ કરાવે એ ઉપકારી છે. ગોર મહારાજ લગ્ન કરાવી દે, પણ તમારું ઘર ચલાવી ન દે, ઘર તો તમારે ચલાવવું પડે. “વરકન્યા સાવધાન.” કહેતી વખતે કોણે સાવધાન થવાનું? ત્રણ વખત કહે છે સાવધાન. જો સાવધાન ના થયા તો જન્મટીપની સજા છે!
પરંતુ લક્ષ જ ના હોય તો તેવો પ્રયત્ન કરી શકે નહીં. તેવી જ રીતે સત્પરુષના વચનથી . આત્માનું હિત શામાં છે તે વિચારીને શું કરવું તેનો લક્ષ થવો જોઈએ. પુરુષના વચનો સાંભળ્યા, હવે મારા આત્માનું હિત શેનાથી છે? પુસ્તકો વાંચવાથી છે? બાહ્ય ત્યાગ કરવાથી છે? બાહ્ય તપ કરવાથી છે? ભક્તિ કરવાથી છે? બીજા બાહ્ય સંસાધનો કરવાથી છે? એ બધું વ્યવહારથી, નિશ્ચયથી આત્માનું હિત તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય એમાં જ છે, બીજે ક્યાંય નથી. બાકીનામાં હિત માનવું એ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. વ્યવહારથી હિત છે, નિશ્ચયથી નથી.
વ્યવહારસે દેવ જિન, નિચેસે હું આપ; એહિબીનસેંસમજલે, જિનપ્રવચનકી છાપ.
- શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ - ૧/૧૪ દેવ-ગુરુ-શાસ્ત્ર વ્યવહારથી ઉપકારી છે. કેમ કે, આપણને નિશ્ચયદષ્ટિ કરાવે છે અને નિશ્ચય એટલા માટે ઉપકારી છે કે આપણા ઉપયોગને સ્વરૂપમાં પહોંચાડીને એ પણ છૂટી જાય છે. “પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” જે વ્યવહાર પરમાર્થ બાજુ લઈ જાય તે વ્યવહાર સાચો અને જે પરમાર્થ તમારા ઉપયોગને આત્મામાં પહોંચાડે તે પરમાર્થ સાચો.
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૬