________________
૬૮
ભક્તિના વીસ દોહરા
લઘુરાજ સ્વામી અને બીજા મુમુક્ષુઓને વિયોગમાં પણ પરિપક્વતા આવી છે. એવું નથી કે સંયોગમાં હોય તો જ પરિપક્વતા આવે. એક વખત સત્પુરુષનો સમાગમ કે મેળાપ થયો હોય અને આખી જિંદગી ના થાય તો પણ એક વખતના સમાગમમાં જે બોધ સાંભળ્યો હોય તેનું વારંવાર ચિંતવન કરવાથી પણ એનું કાર્ય થઈ જાય છે.
શાસ્ત્રમાં જીવોના ઉદાહરણ છે કે એક જ વખત બોધ સાંભળેલા જીવો પણ આત્માનું કલ્યાણ સાધીને મુક્તિ પામ્યા છે. વિયોગમાં નજર સામે ભગવાનની જ મૂર્તિ દેખાય, સદ્ગુરુની જ મૂર્તિ દેખાય, એમની પાસેથી સ્વપ્નમાં પણ બોધ મળે. એવું નથી કે પ્રત્યક્ષમાં જ બોધ મળે છે. જેની દૃઢ સૂરણા છે તેને તો સ્વપ્નમાં પણ બોધ મળી જાય છે. દઢ ઝૂરણા જોઈએ. સત્પુરુષનું દરેક પ્રવર્તન યાદ આવે. એ રીતે એમનો બોધ યાદ આવે, એમની ચેષ્ટાઓ યાદ આવે.
જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૯૩ - ‘છ પદનો પત્ર'
વારંવાર સદ્ગુરુના આત્માની ચેષ્ટાઓ યાદ આવે કે ગમે તેવા વિપરીત ઉદય અથવા નિમિત્તોમાં પણ એમનો આત્માનો ઉપયોગ ક્યાં લાગતો હતો ? એમના ઉપયોગનું આકર્ષણ ક્યાં થતું હતું ? સત્પુરુષને આત્મા સિવાય જગતના કોઈ પદાર્થનું માહાત્મ્ય હોય નહીં. પરમાત્મા અને આત્મા અથવા સન્દેવ-ગુરુ-ધર્મનું જ માહાત્મ્ય હોય. પરંતુ જીવ આમ તેમ બધે જોયા કરે, નકામું બડ-બડ બોલ્યા કરે તો ભગવાન શી રીતે સાંભરે ?
વેર પણ વચનથી થાય છે અને પ્રીતિ પણ વચનથી થાય છે. વેર કરવાથી પણ ભવ ઊભા થાય અને વચન બોલવાથી પણ ભવ ઊભા થાય. નયન પણ બાહ્ય વસ્તુ પ્રત્યે રાગ-દ્વેષ કરાવી ઘણા કર્મો બંધાવે છે. તેથી વચનનો અને નયનનો સંયમ કરવો જોઈએ. આપણે ચારે બાજુ ડાફોળિયા મારીએ છીએ. ધારો કે, કોઈ ફ્રુટની લારી ઉપર નજર ગઈ, ફ્રુટ તો લેવાનું નથી, પણ ‘મોસંબી સરસ છે’ એમ વિચારીને કર્મ બાંધશે. ગાડી જુએ તો કહે, ‘આવી ગાડી મેં જોઈ નથી.’ એમ જે વસ્તુ જુએ તેના વિકલ્પો કરે અને પાછા તેને ખરીદવાના પણ વિકલ્પ થાય, એને ભોગવવાના પણ વિકલ્પ થાય, એને રાખવાના પણ વિકલ્પ થાય. સમયે સમયે જે પરિણામ થાય એ પરિણામ અનુસાર બંધ પડે છે. અહીં બેઠા-બેઠા તમે મોસંબીના વિકલ્પ કરો