________________
શું સાધન બાકી રહ્યું ?
૨૦૯ બે-ત્રણ વખત એમણે પ્રયત્ન કર્યો કે શિષ્ય સુધરે તો ઠીક છે. ના સુધર્યા. એવા બે-ત્રણ હતા. એક તો ઓમસાગર હતા. ઓમસાગર કાનજીસ્વામીના ભક્ત હતા પહેલા. ઘણા વર્ષ સોનગઢમાં રહેલા. એ મુનિ થઈ ગયેલા. ક્ષત્રિય હતા પોતે. સારામાં સારું ચારિત્ર પાળતા. બધા મુનિઓમાં ઊંચામાં ઊંચું ચારિત્ર આમનું હતું પણ એક વખત જયોતિષમાં ચડી ગયા. એટલે આચાર્યશ્રીએ એમને કહ્યું કે ભાઈ, તમે આ બરાબર નથી કરતા, આ આપણું કામ નથી. આપણું કામ આત્માની સાધના કરવાનું છે. આ મંત્રતંત્ર અને બધી ખટપટમાં પડવાનું આપણું કામ નથી. એક-બે વખત કીધું છતાંય માન્યા નહીં અને એમને સમાચાર મળ્યા કે આ હજી ચાલુ જ છે. એટલે એમને એક વખત બોલાવ્યા અને બ્રહ્મચારીના કપડા તૈયાર રાખેલા અને કહ્યું કે,
લો, ઓમસાગરજી, આ પહેરી લો અને હવે સંઘમાંથી નીકળી જાવ. તેમણે વસ્ત્રો પહેરી લીધા. ઘણું ભટક્યા. દેવલાલીમાં આશ્રમમાં મેનેજર થઈને રહ્યા. બીજીવાર પછી ફરીને મુનિ થયા. પછી પાછા ફરીને ગૃહસ્થ દશામાં આવ્યા. ઠેકાણું પડ્યું નહીં. દસ-પંદર વર્ષ ગયા પછી એ એક વખત મને જબલપુરમાં મળી ગયા. મને કહે કે ગોકુળભાઈ! તમારે મારી સાથે આવવું પડશે. એ પહેલા શ્રીમદૂને માનતા હતા, એટલે મિત્રતા ઘણી હતી. એટલે મને કહે કે તમારે મારી સાથે આવવું પડશે. હવે મને મારી ભૂલ ઉપર પસ્તાવો થાય છે. મેં આચાર્યશ્રીની આજ્ઞા માની નહીં અને મારી આ સ્થિતિ થઈ ગઈ. હવે મારે ફરીને મુનિ થવું છે અને આચાર્યશ્રી પાસે જ. બીજા કોઈ આચાર્ય મને પસંદ નથી. આમની ચર્યા મેં જોઈ છે એટલે આમનાથી કોઈ ઉત્કૃષ્ટ નથી. તો મારે હવે એમની સાથે જ રહેવું છે. તમે મારી સાથે આવો. મેં કીધું કે મારું કામ નહીં. હું આચાર્યને ઓળખું છું. હવે તમને કે નહીં, આ નક્કી વાત છે. મને કહે કે ના, ના. હું માફી માંગી લઈશ. ક્ષમા માંગી લઈશ અને જે પ્રાયશ્ચિત્ત આપશે એ લઈ લઈશ; પણ હવે મારે રહેવું જ છે. મેં કીધું કે હું સાથે આવું પણ કાંઈ બોલીશ નહીં. કેમ કે હું બોલું તો મારી પણ કિંમત જાય.
પછી અમે બે આચાર્યશ્રી પાસે ગયા. સામાયિક પતાવીને આચાર્યશ્રી એકલા જ બેઠેલા. એમણે ખૂબ આજીજી કરી, ખૂબ કાલાવાલા કર્યા, ખૂબ માફી માંગી. પ્રાયશ્ચિત્ત માંગ્યું. બધુંય કર્યું, પણ આચાર્યશ્રીએ એક જ વાત કીધી કે હમકો સંઘ ચલાના હૈ. આપકી વજહ સે સંઘર્મ ગડબડ હો જાવે ઔર સંઘ શિથિલતામેં આ જાવે ઉસકા દોષ હમકો ભી હૈ. આપકો મુનિ બનના હૈતો કંઈ ઓર જગહ જાકે હો જાઓ. યહાં અબ આપકી જગહ નહીં હૈ. બસ આટલું શાંતિથી કહી દીધું.