________________
૬૫૨
દુર્લભ એવો મનુષ્યદેહ કેટલા છે? પ્રવચન ચાલતું હતું અને તેમણે કહ્યું કે આ ડુંગરા ઉપરથી ભૂસકો મારીને ઉતરી જાવ. આટલું કહ્યું ને બધા ઊભા થઈને દોડ્યા અને આપણે હોઈએ તો? કિનારે આવીને ઊભા રહીએ. આગળ ન જઈએ. જુઓ ! આ આજ્ઞાંકિતપણું ! પુરુષની એક પણ આજ્ઞાનું સમ્યફ પ્રકારે આરાધન થાય તો તેનો યાવતુ મોક્ષ થાય એમ શાસ્ત્રો અને પરમકૃપાળુદેવ બંને કહે છે. એટલે તેનો અર્થ એવો થયો કે આપણે અનાદિકાળથી આજ દિન સુધી એક પણ આજ્ઞાને સમ્યફ પ્રકારે આરાધી નથી. એ મહાભાગ્યનો આશ્રય કરવાથી શું થાય એ હવે કહે છે,
જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે.
પોતાના મિથ્યા આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ એ બધા જીવને નડે છે. આ બધા આગ્રહ જીવને ગ્રહી લે છે. એ બધાથી જ્ઞાની તેને મુક્ત કરાવે છે અને કહે છે કે હવે આગ્રહને છોડો.
જે વસ્તુ જીવને નડતી હતી એ તેને છોડાવી દીધી. હવે તે કામ કાઢી જશે. અન્ય દર્શનવાળાને એમના મતનાં જે જે આગ્રહ હોયતે છૂટી જાય છે. જૈનદર્શનવાળા પણ જૈનાભાસમાં રમતા હોય તો તેમનું એ જૈનાભાસપણું પણ છૂટી જાય છે. કારણ કે, જૈનાભાસપણું પણ મિથ્યાગ્રહ છે. પુરુષના આશ્રયનો આ મોટો લાભ છે કે પરમાર્થ માર્ગની વિપરીતતા, તત્ત્વશ્રદ્ધાનની વિપરીતતા, જ્ઞાનની વિપરીતતા, ચારિત્રની વિપરીતતા; જે જીવના ખ્યાલમાં નહોતી અને તેને જ એ મોક્ષમાર્ગ માનતો હતો તે હવે નીકળી જાય છે. જે નડતરરૂપ હતું એ નીકળી ગયું એટલે હવે તેનું કામ થઈ જવાનું.
જેમ આપણે ભગવાનને પ્રક્ષાલ કરીએ ત્યારે પાણી કુંડીમાં જાય નહીં અને અંદર ભરાઈ રહે છે, તેનું કારણ અંદર જે નળી છે તેમાં કંઈક કચરો ભરાઈ ગયો હોય છે. એ કચરો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી આ નળીમાંથી પાણી આગળ જવાનું નથી. ત્યારે નળીની અંદર એક સોયો નાખીએ તો કચરો નીકળી જાય. એટલે પાણી નીકળી શકે અને પીઠિકા સ્વચ્છ થઈ જાય. એવી જ રીતે અમુક પ્રકારનો કચરો આપણામાં ભરાઈ ગયો હોય છે. ઘણી વખત તો સળિયો મારો તો પણ નથી નીકળતો. જીવમાં જો યોગ્યતા હોય તો નીકળી જાય છે. નથી નીકળતો એમ પણ નથી. ઘણાનાં નીકળ્યા છે, ઘણાના નથી પણ નીકળ્યા. જેની યોગ્યતા હતી એના નીકળ્યા છે, જેની યોગ્યતા નહોતી તેના નથી પણ નીકળ્યા.