________________
છ પદનો પત્ર
૫૬૯
હું કેવો છું ? પરિપૂર્ણ છું. વર્તમાને છું અને ભવિષ્યમાં પણ હું પૂર્ણ જ છું. ત્રણે કાળમાં દરેક દ્રવ્ય પરિપૂર્ણ છે. સ્વયં સત્ છે. પરિણમનશીલ છે. એને ટકવા માટે બીજા કોઈ દ્રવ્યના આધારની જરૂર પડતી નથી. એનામાં એવી અપૂર્ણતા નથી કે જે અન્ય દ્વારા તેની પૂર્તિ કરીને એને પૂર્ણ કરવામાં આવે. દરેક દ્રવ્ય પૂર્ણ છે. માટે હું પણ પૂર્ણ છું. આવું જ્ઞાનીપુરુષનું જ્ઞાન અનુપ્રેક્ષણ ત્યાં કામ કરતું હોય છે. એટલે એમને હર્ષ-શોક, સુખ-દુઃખ નથી થતું ! એ વખતે પણ તેઓ માને છે કે હું તો ઉપસર્ગ - પરિષહોની વચ્ચે પણ સંપૂર્ણ છું. મારા એક પ્રદેશને ખંડિત કરી શકે એવી તાકાત જગતના કોઈ પદાર્થોમાં નથી. આવો હું ત્રણે કાળની અંદ૨માં સંપૂર્ણ, અખંડ અને અભેદ એવો હું આત્મા છું. આવું એમનું અંદ૨માં બળ હોવાના કારણે એ પોતાના ભાવની અંદ૨માં સહજપણે ટકી શકે છે.
આપણે તો ‘હું’ પણાનું સ્થાપન જ દેહમાં કર્યું છે. એટલે હું મરી જઈશ એની બીક છે. ત્યારે જ્ઞાનીપુરુષનું સ્થાપન ‘હું આત્મા છું’ અને હું અજર, અમર, અવિનાશી અને શાશ્વત છું. અનુત્પન્ન છું – અનાદિ અનંત છું – એટલે અવિનાશી છું - એનું એમને ભાન હોય છે. કેમ કે, અનુભવમાં આવેલું છે.
-
અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. આનંદગુણ પણ અંશે નિર્મળ થયો છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ' માં આનંદગુણ પણ આવી ગયો. જે આનંદગુણ વિપરીતપણે શાતા-અશાતાના ઉદયમાં સુખ-દુ:ખને વેદતો હતો એ ઉપયોગ હવે પોતાના સ્વરૂપને વેદે છે. હવે ભલે બહારમાં અશાતાના વેદનમાં હોય, પણ અંદ૨માં અંશે એનું વેદનપણું ચાલુ છે. કેમ કે, સમ્યક્ત્વની હાજરી છે. સમ્યક્ત્વની હાજરી છે તો દરેક ગુણનું અંશે પણ સમ્યક્ પરિણમન ચાલુ છે અને એના કારણે એનો આનંદ પણ અંદ૨માં અંશે ચાલુ છે. એ સ્રોત બંધ નથી થઈ ગયો, ભલે નિર્વિકલ્પ સમાધિમાં જેવો આનંદ હોય એવો આનંદ અત્યારે નથી. સવિકલ્પપણામાં પણ એનું પરિતૃપ્તપણું અને આનંદપણું જળવાઈ રહે છે, નષ્ટ થઈ જતું નથી.
ભરત મહારાજા અને બાહુબલી લડ્યા, એ વખતે પણ એમનો આનંદનો સ્રોત એકદમ તિરોભૂત નથી થઈ ગયો. અંશે પણ એનો ઝરો રહ્યો છે; ભલે મંદપણે રહ્યો છે, પણ રહ્યો છે. એમને ૪૧ પ્રકૃતિના બંધનો અભાવ કહ્યો છે. ચોથા ગુણસ્થાનકવાળાની વાત છે. એટલું એને અંદરમાં આકુળતારહિતપણું છે અને એટલું જ અનાકુળતાપણું છે અને અનાકુળતાને જ આનંદ કહેવામાં આવે છે. ગમે એવા હર્ષ-શોકના પ્રસંગ આવે તો પણ જ્ઞાની એકદમ આકુળ-વ્યાકુળ થઈ જતા નથી. અજ્ઞાની જેવા આકુળ-વ્યાકુળ થઈ જતા નથી. એનું કારણ કે અંદ૨માં જ્ઞાન છે