________________
છ પદનો પત્ર
પ૨૬ લીધું અને એક સામાન્ય ઉદયમાં હું એ કષાયો દ્વારા જીતાઈને તીવ્ર કષાયને આધીન થઈ જઉં છું! પ્રભુ! હવે તારા શરણે આવ્યો છું, મારામાં વીતરાગતા લાવ અને એ પ્રકારના ભાવવાળા પદો કે શ્લોકોને વારંવાર ફેરવવા.
જ્યારે કષાયનો ભડકો ઉઠે ત્યારે અંદરમાં બસો વાર કોઈ પણ ગાથા બોલવી એટલે એ ભડકો મંદ પડ્યા વગર રહે નહીં. જ્ઞાનીનો બોધ છે કે “છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી.' એવા જ્ઞાનીના વચનો ગમે ત્યારે હાજર કરીને અંદરમાં ઉપયોગને ફેરવો તો, ગમે તેવા કષાયનો ઊભરો હશે તો એક વખતમાં શમી જશે. પછી શાંત ચિત્તથી વિચારવું કે ભાઈ ! આ કષાય કરવાથી કે આમ કરવાથી તને શું લાભ થવાનો છે? જે વસ્તુના નિમિત્તથી કષાય થયો છે એ વસ્તુ તો તમારો પુણ્યનો ઉદય હશે તો મળશે, નહીં તો નહીં મળે. તમે ગમે તેટલું મથશો તો પણ નહીં મળે, પણ એના નિમિત્તથી જે કષાય કર્યો છે એનું ફળ તો અવશ્ય મળશે. માટે, કોઈ વસ્તુના નિમિત્તથી, કોઈ જીવના નિમિત્તથી, દેહના નિમિત્તથી, કુટુંબના નિમિત્તથી કે ગમે તેના નિમિત્તથી પણ કષાયને આધીન થવું યોગ્ય નથી.
આવો એને વારંવાર બોધ આપીને જાગૃત કરશો તો એ જીવ કષાયને મોળા પાડ્યા વગર નહીં રહે. ધીમે ધીમે જે પહેલાં 100 ડિગ્રી ગરમ હતા; એ ૯૦ ડિગ્રી સુધી, ૮૦-૭) સુધી, ૬૦ ડિગ્રી, ૫૦ ડિગ્રી એમ એની ડિગ્રી ઘટતી જશે, વધશે નહીં. જેમ તાવ એકદમ ચડે તો તાત્કાલિક પોતા મૂકીએ તો એ કંઈક કન્ટ્રોલમાં આવે છે. એમ કષાય પણ તાવ જેવો છે, તો એને પણ આ ઠંડા ભાવના પોતાં મૂકીએ, સારી ભાવના, ઉત્તમ ભાવના, જ્ઞાની પુરુષોના વચનના પોતાં કષાયને મોળા પાડે છે. હિંસક પુરુષો પણ જ્ઞાનીપુરુષ પાસે જતાં શાંત પડી જાય છે. કેમ? અહિંસાના પરમાણુ એટલા છૂટે છે કે એ પરમાણુ પણ પેલા સામા જીવને નિમિત્તનૈમિત્તિક સંબંધથી અસર કરે છે અને પેલો જીવ અંદરમાં શાંત થઈ જાય છે.
કૃપાળુદેવને નરોડામાં એક ભાઈ મારવા આવેલા. પરમકૃપાળુદેવે એની સામે નિર્દોષ નજરથી જોયું અને એમની નિર્દોષતા, મોઢા ઉપરનો વૈરાગ્ય, વીતરાગતા જોઈને પેલાને એમ થયું કે આ કોઈ મહાન પુરુષ છે અને હું આમને મારવા આવ્યો છું! છરી ચરણોમાં નાખી અને ક્ષમા માંગી. પરમકૃપાળુદેવ કાંઈ બોલ્યા નહીં. જુઓ ! એ વખતે એને મારવાનો ભાવ આવી ગયો, પણ એક આવું નિમિત્ત મળ્યું તો ભાવ પલટાઈ ગયો.
એમ દેરાસરમાં જતા રહો, ઘેર બેસીને ભગવાનનું કે કૃપાળુદેવનું ચિત્રપટ લઈ, પુસ્તક લઈ બેસી જાઓ અને એવા જ પાઠ કાઢો. મૃગાપુત્ર ચરિત્રમાં નરકનું વર્ણન વાંચવું થોડીવાર.