________________
૬૩૦
ત્રણ મંત્રની માળા
કેશમાંથી કૃષ્ણ, કૃષ્ણ એવો અવાજ આવતો હતો. શ્રીકૃષ્ણ મહારાજ બોલ્યા કે હવે ખ્યાલ આવ્યો કે કેમ હું અર્જુનને આટલો પ્રેમ કરું છું ! જુઓ ! ઊંઘમાં પણ તેને મારું જ રટણ છે. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ.
હવે શું ક૨વા સમય વેડફો છો ? જગતનો કયો પદાર્થ તમને શાંતિ અને સુખ આપશે ? મંત્રના માધ્યમથી આત્માની પ્રાપ્તિ થશે તો અનંત શાંતિની પ્રાપ્તિ થશે; એવી ઊંચામાં ઊંચી વસ્તુ તમને વગર પૈસે મળે છે, પણ તમને એની જે પારમાર્થિક કિંમત સમજાવી જોઈએ એ સમજાતી નથી. એટલે ઉપયોગને જ્યાં ત્યાં વિકલ્પોમાં ભમાવો છો. મુખ્ય સાધના ઉપયોગની છે કે તમે ઉપયોગને ક્યાં રમાડો છો ? અને તમારો ઉપર્ટીંગ કેટલો વિશુદ્ધ છે ? ઉપયોગ રાગ, દ્વેષ, મોહમય પરિણામોથી જેટલો રહિત હશે તેટલો વિશુદ્ધ, તેટલી શાંતિ. ધંધાની, કુટુંબની, વ્યવહારની કે સંસારની ખટપટોના કારણે તમારો ઉપયોગ અશાંત રહે છે. આપણને એમ થાય છે કે સંસારમાં બેઠા છીએ તો બધું કરવું પડે. ધર્મ પણ કરીએ અને આ પણ કરીએ ! તો સમજવું કે હજુ જેવી જોઈએ તેવી છૂટવાની તીવ્ર તાલાવેલી થઈ નથી.
એક જનાબાઈ નામે મહાન ભક્તાત્મા હતા. તેઓ ગાય-ભેંસના ગોબર લઈ આવે અને એમાંથી છાણાં થેપે. એ છાણાં વેચતા અને પોતાનું ગુજરાન ચલાવતા. એ કોઈ પણ કામ કરતા હોય – ચાલતા હોય, રસોઈ બનાવતા હોય, ઘરનું કામ કરતા હોય કે છાણાં થેપતા હોય - ચોવીસ કલાક રામનામનો જાપ કરતા.
રામ નામ મેં આલસી, ભોજન મેં હુશિયાર; તુલસી ઐસે જીવકું, વારંવાર ધિક્કાર.
એમના છાણાં તમે કાનમાં લગાડો તો એમાંથી રામનો અવાજ આવે. એ માજીની બાજુમાં કોઈ એક ભાઈનું ઝૂંપડું હતું. તે પણ છાણાં થેપીને વેચવાનો ધંધો કરતો. બંનેનો ધંધો એક. એ માણસ રાત પડે એટલે માજીના છાણાંના ઢગલામાંથી પાંચ-પચ્ચીસ છાણાં ચોરીને એના ઢગલામાં નાખી દેતો. માજીના ભક્તોએ જોયું કે આ રોજ આ રીતે છાણાં લઈ જાય છે પણ માજી કશું બોલતા નથી, હવે આ બંધ કરાવવું પડશે - એમ વિચારીને રાજાને ફરિયાદ કરી. રાજાએ પૂછ્યું કે, ‘ભાઈ ! તમારી પાસે કંઈ સાક્ષી છે ?’ તો તેમણે કહ્યું, ‘એવું તો કંઈ છે નહીં.’ પછી જનાબાઈને પૂછ્યું, ‘તમારા છાણા પેલા ઢગલામાં પડ્યા હોય તો તમે ઓળખી શકો ?’ જનાબાઈએ કહ્યું, ‘હા ઓળખી શકું. મારું એક છાણું પણ ના ઓળખાય એવું નથી.