________________
૧૩૨
શું સાધન બાકી રહ્યું ? પુનિ એટલે ફરી ફરી, વારંવાર. આપણે ત્યાગ, વૈરાગ્ય અથાગ, બેહદ કર્યા. આપણા ત્યાગ વૈરાગ્યને જોઈને લોકો પણ મોમાં આંગળા નાંખી જાય, એવો વૈરાગ્ય ધારણ કર્યો. જે વૈરાગ્ય દુઃખગર્ભિત કે મોહગર્ભિત હોય છે તે પણ સંસારનો હેતુ થાય છે, મોક્ષનો હેતુ થતો નથી. કંઈક પ્રતિકૂળતા આવે તો જીવ ક્ષણિક વૈરાગી થઈ જાય છે. એવી વ્યક્તિએ ભલે આખી જિંદગી વૈરાગ્ય રાખ્યો તો પણ અજ્ઞાનીનો વૈરાગ્ય અજ્ઞાનમય હોય છે. એમાં ઘણા અંશે રાગાંશો અવ્યક્તપણે પણ રહેલા હોય છે. રાગનો ત્યાગ થાય એનું નામ વૈરાગ્ય. આ જીવને રાગ બહુ નડતરરૂપ છે. ચાહે દેહનો હોય, ચાહે કુટુંબનો હોય, ચાહે જગતના પદાર્થનો હોય. આ બધોય રાગદુઃખદાયક છે. અજ્ઞાનીને કોઈ પણ સંગમાં રાગ થઈ જાય છે. એટલે ભગવાનનું વચન છે કે,
સર્વસંગ મહાગ્નવરૂપ શ્રી તીર્થકરે કહ્યો છે, તે સત્ય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથ નોંધ - ૧/૩૮ આ તીર્થકર ભગવાનનું વચન છે હોં ! આગમનું વચન છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, પરિગ્રહ, આરંભ અને સંગ એ સહુ અનર્થના હેતુ છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૦૦ એટલે કે તે આત્માને અહિતકારી છે, હિતકારી નથી અને આખું જગત આની પાછળ દોડી રહ્યું છે. કહેવાતા મુમુક્ષુઓ પણ આની પાછળ દોડી રહ્યા છે. આરંભ અને પરિગ્રહ એ ઉપશમ અને વૈરાગ્યના કાળ છે, એમ પરમકૃપાળુદેવે પત્રાંક – ૫૦૬ માં લખ્યું છે. એટલે અનુપશમનાં મૂળ છે. ઉપશમ થવા દેતા નથી. કષાયને મંદ પડવા દેતા નથી. જીવને શાંત થવા દેતા નથી, અંતર્મુખ થવા દેતા નથી, સ્વસ્વરૂપસ્થ થવા દેતા નથી.
તો, ત્યાગ વૈરાગ્ય કેટલા લીધો? અથાગ લહ્યો. એનો તાગ ન આવે એટલો કર્યો, ખૂબ કર્યા. અનાદિકાળમાં અનંતવાર આવા તપ, ત્યાગ અજ્ઞાનભાવમાં કર્યા. વૈરાગ્ય પણ લીધો મીઠા વગરનું ખાધું. આખી જિંદગી આયંબિલ કર્યા, આ બધું બહુ કર્યું, પણ રાગ-દ્વેષ બુદ્ધિ રાખીને. રાગના સ્વરૂપને જાણીને વૈરાગ્ય નથી થયો. સ્ત્રીને જોઈને રાગ થયો. તો રાગ થવાનું કારણ સ્ત્રી નથી, પોતાનું અજ્ઞાન છે, પણ એણે આરોપ મૂક્યો સ્ત્રી ઉપર. એ રીતે જીવે હંમેશાં પરપદાર્થો ઉપર આરોપ મૂક્યો અને પોતાનું અજ્ઞાન જોયું નહીં. કોઈ પદાર્થ તમને નડતો નથી, તમને નડે છે તમારું અજ્ઞાન, તમારો મોહ.