________________
શું સાધન બાકી રહ્યું ?
૧૩૫
ભાવોની વિશુદ્ધિ કરવાની છે. તમે કેટલી ક્રિયાઓ કરો છો ? અને કેટલા કલાક કરો છો, ને મંદિરમાં કેટલા કલાક બેસો છો ? એ અગત્યનું નથી, પણ તમે ચોવીસ કલાકમાં કેટલા કલાક ભાવોની વિશુદ્ધિ કરી ? એ અગત્યનું છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે,
પરિણામ એ જ બંધ.
જેને ભાવની રમત રમતાં આવડે તે મોક્ષની બાજી જીતી જાય છે. ગમે તેવા ઉદયમાં કે નિમિત્તમાં ભાવોમાં સંક્લેશતા ન આવવા દેવી તે સાધના છે. ઉદય પ્રમાણે નિમિત્તો આવવાના, જગતમાં દરેક બનાવો બનવાના, દરેક દ્રવ્યનું પરિણમન જેમ થવાનું છે તેમ થવાનું. તેમાં જ્ઞાતા-દૃષ્ટા ભાવે જેટલા રહેશો એટલી તમે મોક્ષની બાજી જીતી જશો અને જેટલી તે બનાવ સાથે તાદાત્મ્યતા સાધી નાંખશો તેટલી મોક્ષની બાજી હારી જશો. એટલે આખું જગત ‘only for see, not to touch' છે. જગતમાં જે બનાવો બને છે તે સહેજે સહેજે જણાઈ જાય તો જણાઈ જાય, પણ જાણવાનો પ્રયત્ન કરવો નહીં. દ્રવ્યની યોગ્યતાને અનુરૂપ જેનું જે પરિણમન થવાનું હતું તે થયું. કોઈ પણ પરદ્રવ્યના પરિણમનથી આપણને લાભ કે નુક્સાન છે નહીં અને આપણે તેના નિમિત્તે કેટલા વિકલ્પ કરીએ છીએ ! જગતના સર્વ પદાર્થો, આત્મા સાથે લાગેલા દેહ, આઠ કર્મો એ બધા પરદ્રવ્ય છે અને તેના નિમિત્તથી થતાં પરભાવો પણ પર છે.
દેહના નિમિત્તે આપણે કેટલા વિભાવો કરીએ છીએ ! અને બહારના પદાર્થોના નિમિત્તે પણ કેટલા વિભાવો કરીએ છીએ ! તે ભાવની શુદ્ધિ કહેવાય કે અશુદ્ધિ કહેવાય ? પરદ્રવ્યના નિમિત્તે આ સંકલ્પ-વિકલ્પ કરીએ છીએ તે અશુદ્ધિ છે. ભાવોની વિશુદ્ધિમાં તો કષાયની એકદમ મંદતા, ઉપશાંતતા હોય, જ્ઞાનની જાગૃતિ હોય. તો, મોક્ષની આખી બાજી મુખ્યપણે ભાવ ઉપર રહેલી છે. બે પ્રકારે ભાવ છે - અશુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ. અશુદ્ધ ભાવ બે પ્રકારે છે - શુભ ભાવ અને અશુભ ભાવ. શુદ્ધ ભાવ તો માત્ર શુદ્ધોપયોગ રૂપ જ છે. રત્નત્રયના અભેદ પરિણામ તે શુદ્ધ ભાવ છે. વિવેકથી જીવીએ તો અશુભભાવથી બચીને શુભભાવમાં આવી શકાય છે. પણ, એ પણ અશુદ્ધ ભાવ તો છે જ, આસ્રવબંધ યુક્ત ભાવ તો છે જ. એ આત્માનું હિત કરનારા નથી, એનાથી આત્માને શાંતિ નથી, એના દ્વારા પણ આત્મામાં આકુળતાવ્યાકુળતા છે, ચાહે પ્રશસ્ત રાગ હોય, ચાહે અપ્રશસ્ત રાગ હોય. રાગની અપેક્ષાએ અપ્રશસ્ત કરતાં પ્રશસ્ત સારો છે, પણ શુદ્ધ ભાવની અપેક્ષાએ એ પણ આસ્રવબંધ યુક્ત હોવાથી ઉપાદેય નથી. આવો વિવેક સાધકને આવવો જોઈએ. તો ઘણા અંશે અશુભથી બચી શકાય, ભલે ગૃહસ્થ દશા હોય. તે જીવ ગમે ત્યાં હશે, અશુભથી બચશે. કોઈ અશુભ ભાવ લાંબો સમય