________________
૫૦૬
છ પદનો પત્ર ભોગવવાનું થાય છે. આવો પ્રત્યક્ષ અનુભવ છે. આપણે પણ આપણા કર્મનું ફળ મનુષ્યભવમાં ભોગવીએ છીએ કે નહીં? ઘડીકમાં શાતા આવે છે તો ઘડીકમાં અશાતા આવે છે, ઘડીકમાં અનુકૂળતા આવે છે તો ઘડીકમાં પ્રતિકૂળ આવે છે. ઘડીકમાં માન મળે છે તો ઘડીકમાં અપમાન મળે છે. ઘડીકમાં પાંચ-સો મિત્ર થઈ જાય છે તો ઘડીકમાં પાંચસો મિત્ર હોય તો જતા રહે છે. બધો ઉદય છે. પુણ્યના ઉદયમાં બધી પ્રતિકૂળતા સામગ્રી અનુકૂળ થતી જાય છે અને પાપના ઉદયમાં અનુકૂળ સામગ્રી બધી પ્રતિકૂળ બનતી જાય છે. આ બધા પુણ્ય-પાપના ખેલ ચાલી રહ્યા છે અને આ અનુભવ કોને નથી? આ જગતની વિચિત્રતા છે. એ બધી કર્મની વિચિત્રતા છે. આ આખું જગત વિચિત્ર રૂપે કર્મના ભોગવટામાં દેખાય છે. કોઈ શાતાના, કોઈ અશાતાના, કોઈ શુભના, કોઈ અશુભના. એ બધાયના મૂળમાં શું છે? કર્મના ફળ છે.
જો કર્મનું ફળ કોઈ જીવ અહીં ના ભોગવતો હોય અને કોઈ કર્મના સંયોગ ના હોય તો બધાય જીવ મોક્ષમાં હોત. અત્યારે તમે જે કાંઈ કરશો કે થશે એનું ફળ આગળ ભોગવવાનું છે. જ્ઞાનીઓ કહે છે કે કોઈ જાણે કે ન જાણે એવા પ્રકારના ભાવ કરો છતાં પણ આનું ફળ આગળ ભોગવવું પડશે. આ નક્કી વાત છે. તો આપણી જવાબદારી અને જાગૃતિ વધવી જોઈએ. સમયે સમયે હું શું કરું છું એનો ખ્યાલ રહેવો જોઈએ. હું શું કરું છું? એટલે હું કેવા “ભાવ” કરું છું? એનો એણે ખ્યાલ રાખવો જોઈએ. નથી રાખતો તો એના પરિણામ માઠાં આવે છે. અત્યારે હું મારા જ્ઞાન અને ઉપયોગ ઉપર કાબૂ ના રાખું અને ઉદયાધીન થઈ, કષાયાધીન થઈ કે વિષયાધીન થઈ કે એવા અશુભભાવને આધીન થઈ હું વડું તો મને અંદરમાં “ભાવ” કરવામાં તો કોઈ રોકવાનું નહીં. જેમ કાલસૌરિક કસાઈ હતો એણે કૂવામાં પાડા દોરીને માર્યા.
જેમ તાંદુલ મત્સ્ય હતો. ભલે એણે કોઈ જીવોને માર્યા નહીં, પણ બેઠા બેઠા ભાવ તો કર્યા અને એનું ફળ ભોગવ્યું પણ ખરું. એ નરકમાં જઈ એનું ફળ ભોગવે છે. બહારમાં કાર્ય થાય છે કે નથી થતુ એ વાત આગળની છે, પણ અહીં જે પ્રકારનો “ભાવ” થાય છે, એ પ્રકારના ભાવનું ફળ પાછું ભોગવવું પડે છે. કેમ કે જ્ઞાનીઓએ તો “પરિણામ એ બંધ” કહ્યો છે. જે કાંઈ પણ પરિણામ આપણને સમયે સમયે થાય છે એ પરિણામ કેવા થાય છે એની જાગૃતિ અને નિરીક્ષણ ઉપયોગ દ્વારા - જ્ઞાન દ્વારા રહેવું જોઈએ. નથી રહેતું તો આત્મા સમયે સમયે વિભાવમાં -અશુભભાવમાં વહ્યો જાય છે અને બ્રેક કોણ મારશે? અને ભાવ કરીને બંધ ના પડે એ કેમ બનશે? આપણે પરિણામ કરીએ અને બંધ ના પડે એવું બનતું નથી. માટે હવે સમયે સમયે ક્યા ભાવ ચાલે છે એનું નિરીક્ષણ ઉપયોગમાં રહેવું જોઈએ. નથી રહ્યું એનું આ ફળ છે