________________
૪૪
ભક્તિના વીસ દોહરા એમને મારામાં એક અંશ રાગ પણ ક્યાંથી હોય? કોઈ જગતના પદાર્થમાંય રાગ ક્યાંથી હોય! ભલે હું ગણધર છું, પણ ભગવાનની અપેક્ષાએ તો હું ગણધર નથી, હું જે છું તે છું. આમ કરતાં એમનો ઉપયોગ સવળો થઈ ગયો કે તું ભગવાન પ્રત્યે ખોટો મોહ રાખે છે. ભગવાને તને પણ કહેલું કે જ્યાં સુધી મારામાં રાગ છે ત્યાં સુધી તારું સંપૂર્ણ કલ્યાણ નહીં થાય. હે ગૌતમ ! રાગનો આ કિનારો પણ તું છોડ. ભગવાનનો એ બોધ એમને યાદ આવ્યો અને એમનો ઉપયોગ કર્યો ને સ્વરૂપ સન્મુખ થયો, એટલે કેવળજ્ઞાન પ્રગટ થયું.
વિરહમાં પણ કલ્યાણ થાય છે. આપણને ઘણી વખત સત્પરુષો મળ્યા છે, એમનો બોધ મળ્યો છે. હવે જ્યારે વિરહ થયો ત્યારે એમના બોધને સંભારીને તે તે ગુણો પ્રગટ કરવાનો પુરુષાર્થ કરીએ તો અવશ્ય આત્માનું કલ્યાણ થયા વગર રહે નહીં. એ વિરહ જ સાચો છે. વિરહમાં સપુરુષ આપણને સતત સાંભરે, સતત એમનો બોધ સાંભરે, એમની આજ્ઞા સાંભરે. એમનું સમગ્ર વ્યક્તિત્વ આપણી નજર સામે તરે અને આપણો ઉપયોગ એનાથી રંગાય તો એ ઉપયોગ રીબાઉન્ડ થઈને પાછો આત્મા બાજુ વળીને કામ કરી નાંખે છે, એટલે વિરહમાં પણ કલ્યાણ જ છે. એવું નથી કે મિલનમાં જ કલ્યાણ છે, પણ વિરહનો તાપ લાગવો જોઈએ.
જેમ વરસાદ પડ્યા પછી તાપ પડે છે ત્યારે જમીનની અંદર જે બીજ વાવ્યા છે તે ફૂટીને અંકુર થઈને બહાર નીકળે છે. એવો તાપ લાગવો જોઈએ. સતી સ્ત્રીને તેનો પતિ મરી જાય ત્યારે તેના વિરહમાં જે તાપ લાગે છે તેના કારણે એ પણ ચિતામાં બળીને મરી જાય છે.
વિરહો નહીં રે ખમાય,
રાજ તારો વિરહો નહીં રે ખમાય. આમ, ભગવાનની ભક્તિ, પ્રાર્થના કરતા સાધક કહે છે કે હજી મને તમારો, સદ્ગુરુનો, સપુરુષનો જે વિયોગ છે એનો જે વિરહ સાલવો જોઈએ, વિરહનો જે તાપ લાગવો જોઈએ, એ હજી લાગતો નથી, તો મારું કલ્યાણ કેવી રીતે થાય?
કથા અલભ્ય તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. હે પ્રભુ! તારા પ્રેમની કથા અલભ્ય છે. સપુરુષોને સર્વ જીવ પ્રત્યે અત્યંત કરુણાભાવ હોય છે. અલૌકિક પ્રીતિ હોય છે, સત્પરુષની પ્રીતિ લૌકિક હોતી નથી. ઘણા તીર્થકરો અને મહાપુરુષો થઈ ગયા. તેમણે સહુને તારું અને સહુને પાર ઉતારું આવી નિષ્કારણ કરુણાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું.