________________
૪૨
ભક્તિના વીસ દોહરા થોડા તપ ત્યાગ કર્યા, થોડી સામાયિક પ્રતિક્રમણ કર્યા, જાપ કર્યા, સ્વાધ્યાય, સત્સંગ કર્યા - ઘણુંય બધું કર્યું પણ આત્માને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના, આસક્તિ હજી લાગી નથી.
નીચી ગતિમાં જવું ના પડે અને ઊંચી ગતિ મળે એવા ડરથી આ જીવ ધર્મ કરે છે, પણ ધર્મ એ આત્માનો સ્વભાવ છે. માટે ધર્મ તે જ અનુકૂળ જે સ્વભાવની સિદ્ધિ કરે, આ સ્વભાવ પ્રત્યે જીવને આસક્તિ આવી નહીં. અનાદિ કાળમાં એક એક યોનિમાં અનંતી વાર જીવ જન્મ્યો અને મર્યો, ચોરાશી લાખ યોનિમાં કોઈ યોનિ એવી નથી કે એકેક યોનિમાં જીવ અનંત વાર જન્મ્યો ના હોય ને મર્યો ના હોય પણ એક ભવમાં એને આવા અચલ સ્વરૂપની આસક્તિ આવી નહીં. આ ભવમાં પણ કોઈને સ્ત્રીની, કોઈને પૈસાની, કોઈને બાહ્ય સુખની, કોઈને માન-પૂજા-કીર્તિની, કોઈને સંસારી પદાર્થોની આસક્તિ છે. આમ, જગતના જીવોને અનેક પ્રકારની આસક્તિ છે કારણ કે એમની એવી જ યોગ્યતા છે. સાચું સમજ્યા નથી, તેથી એ આસક્તિ રહેવાની. સતત ઇચ્છા, લગની અને રટણ લાગવા જોઈએ એ નથી. “ઠીક છે સાહેબ, આ તો સવારમાં તમે અડધો કલાક નિત્યક્રમનો નિયમ આપ્યો છે તો કરી લઉં છું, અને તે પણ ગગડાવી જઉં છું! આત્મસિદ્ધિ તો મારે દસ-બાર મિનિટમાં પૂરી થઈ જાય. રોજ કરું એટલે દસ-બાર મિનિટમાં થઈ જાય !”
રૂઢિ પ્રમાણેની સાધના જીવ ઘણી કરે છે, ભાવભાસન વગરની સાધના અને ક્રિયાઓ ખૂબ કરે છે. શાંતિપૂર્વક, ધીરજપૂર્વક, સમજણપૂર્વક કરતો નથી. જેમાં આત્માનું કલ્યાણ રહ્યું છે એવી સ્વરૂપની સાધના, ભેદવિજ્ઞાનની સાધના, સ્વરૂપના આશ્રયની સાધના એના પ્રત્યે હજી જેવી જોઈએ એવી આસક્તિ જાગી નથી. આસક્તિ જાગે તો બીજા કરોડો કામ મૂકીને જેમાં આસક્તિ છે એ કામ કરી લે છે. તેમાં કોઈ બહાના હોતા જ નથી કે સાહેબ ! શું થાય ? આ છોકરાઓનું ને ઘરનું મારે ધ્યાન રાખવું પડે છે. ધંધાની અને આવા બીજા ઘણા કામોની જવાબદારી મારા માથે છે. મારે કરવું તો ઘણું છે, એ પણ તમે કહો છો એમ જ, પણ આ બધામાં હું ફસાયેલો છું ! અરે ભાઈ! તને કોણે ફસાવ્યો છે? કોઈએ ફસાવ્યો નથી. તારી જાતે જ ફસાયો છું. તારો ઉપયોગ અચળ રૂપમાં કેમ ના ફસાયો ને આમાં ફસાયો? બસ, જેની ઝંખના હતી તેમાં ફસાયો, આત્માની ઝંખના હોત તો આત્મામાં ફસાત.
ખરેખર તો જીવનો પોતાનો વાંક છે, પણ તે અહીં નિમિત્તોનો વાંક કાઢે છે કે જો મને આ કાળમાં પરમકૃપાળુદેવ જેવા કે કુંદકુંદાચાર્ય જેવા મળી જાય તો હું કામ કાઢી લઉં. મહાવીરસ્વામી ભગવાન જેવા તીર્થકરનોયોગ થાય તો હું કામ કાઢી લઉં, પણ આવા મહાપુરુષો