________________
૩૯
ભક્તિના વીસ દોહરા
મૂંગા વાચા પામતા,પંગુ ગિરિ ચડી જાય;
ગુરુકૃપાબળ ઓર છે, અંધ દેખતા થાય. એટલે કે અજ્ઞાની જ્ઞાની થાય. પ્રફુલ્લિતતા આવવી જોઈએ. સંસારના સુખોમાં પ્રફુલ્લિતતા આવે છે, સંસારની અનુકૂળતાઓમાં પ્રફુલ્લિતતા આવે છે એવી પરમાર્થમાર્ગમાં અને પારમાર્થિક દેવ, ગુરુ, ધર્મમાં પ્રફુલ્લિતતા આવે તો એના માટે બહુ સહેલું છે. ધીરજ પણ જોઈએ. એક ભક્ત કહ્યું છે કે ચમચીથી સમુદ્ર ઉલેચવો હોય તો જેટલી ધીરજ જોઈએ, એટલી ધીરજ આ માર્ગમાં જોઈએ. વિશ્વાસ પણ જોઈએ કે મારું કામ થશે જ. એક ચમચી તો હું ઓછી કરું છું.
અંશ ન એકે સ્નેહનો. હે પરમાત્મા! તમારા પ્રત્યે એક અંશ પણ સાચો સ્નેહ નથી. જે દેખાય છે એ બધો બનાવટી છે, આડંબર છે, લોકોને દેખાડવા માટે છે, પણ હૃદયના સાચા ભાવથી જો આવી જાય તો કામ થઈ જાય. ન મળે પરમ પ્રભાવ. પ્રભાવ આવવો જોઈએ. ભગવાન પ્રત્યે પ્રભાવ આવે તો કામ થઈ ગયું. “થશે કે નહીં થાય? આમ કરીશ તો આમ થશે કે આમ?” એ વિકલ્પવાળાનું કામ નથી, અહીં તો કોનું કામ છે?
સોપી મેં તો તારા ચરણમાં, થાવાનું હોય તે થાય;
વ્હાલા મારા હૈયામાં રહેજે, ભૂલું ત્યાં તું ટોકતો રહેજે. આત્મા, પરમાત્મા પ્રત્યે એક અંશ પણ સ્નેહ આવે તોય ઘણું છે. સાચા પ્રેમ, સ્નેહની જાતનો એક અંશ પણ હોય તો પણ અનંતા કર્મ બાળીને ભસ્મ કરી નાખે એટલી એની શક્તિ હોય છે. હિંમત જોઈએ. સંસારના બંધનો તોડવા બળ, હિંમત અને પુરુષાર્થ જોઈએ, એ મારામાં નથી. એ બળ હે પ્રભુ! તું મને આપ.
જયારે હાથીને મગર પાણીમાં ખેંચે છે ત્યારે જુએ છે કે મેં ઘણું બળ કર્યું, પણ હજી મારું બળ ચાલતું નથી અને મને મગર ખેંચી જાય છે, પછી એણે ભગવાનને પોકાર કર્યો એટલે એનામાં બળ આવ્યું. નિર્બળ કે બળ રામ.